અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસાએ હવે પોતાનું અસલી રૌદ્ર અને ધમાકેદાર સ્વરૂપ ધારણ કરી લીધું છે! આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો અને વહેલી સવારથી શરૂ થયેલી મેઘરાજાની બેટિંગે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજા જાણે મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની ચેતવણીએ અમદાવાદીઓ સહિત રાજ્યના અનેક જિલ્લાવાસીઓની ચિંતામાં વધારો કરી દીધો છે. આગામી થોડા કલાકો અત્યંત સાવચેતી રાખવાના છે, કારણ કે પાણીના પ્રવાહ અને ધોધમાર વરસાદને પહોંચી વળવા તંત્ર પણ સજ્જ બન્યું છે. આવો જાણી ક્યા વિસ્તારો પર તોળાઈ રહ્યું છે સૌથી મોટું જોખમ…
ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે અત્યંત મહત્વપૂર્ણ અને એલર્ટ કરતી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી મજબૂત ચોમાસાની સિસ્ટમના કારણે આગામી ૩ કલાક દરમિયાન અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
રેડ એલર્ટવાળા 6 જિલ્લાઓ:
હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી મુજબ નીચેના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની પ્રબળ સંભાવના છે:
અમદાવાદ
ખેડા
આણંદ
વડોદરા
ભરૂચ
છોટા ઉદેપુર
આ પણ વાંચો: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું
છોટા ઉદેપુરમાં સવારથી જ આભ ફાટ્યું:
રેડ એલર્ટ હેઠળના છોટા ઉદેપુર જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર:
સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ત્યારબાદ સવારના ૬ થી 8 વાગ્યા દરમિયાન વધુ બે ઇંચ વરસાદ વરસતા માત્ર થોડા કલાકોમાં જ કુલ સાડા ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
12 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’:
અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે રાજ્યના અન્ય ૧૨ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓ:
ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી
તંત્રની આગોતરી તૈયારીઓ અને સુરક્ષા પગલાં:
ભારેથી અતિ ભારે વરસાદની આ ચેતવણીને પગલે વહીવટી તંત્ર અગાઉથી જ એલર્ટ મોડ પર આવી ગયું છે:
સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ ઘણાં સંવેદનશીલ વિસ્તારોમાં શાળા-કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા અને બચાવ કામગીરી માટે આર્મી (Army) અને NDRF ની ટીમોને પણ ખડેપગે રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળી શકાય.
