અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, 14 આકરી શરતો પર બની સહમતિ!
પરમાણુ પ્રતિબંધો અને હોર્મુઝની ખાડી ખોલવા સહિતના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત; આગામી રવિવારે થશે સત્તાવાર હસ્તાક્ષર
લાંબા સમયથી ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવનો અંત લાવતા, અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી થઈ છે. આ સમાચાર આવતાની સાથે જ વૈશ્વિક અર્થતંત્રો અને શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે આગામી રવિવારે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ ડીલના કારણે વ્યૂહાત્મક રીતે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દરિયાઈ માર્ગ ‘હોર્મુઝની ખાડી’ (Strait of Hormuz) ને વ્યાપારી જહાજો માટે તાત્કાલિક ફરીથી ખોલવાનો રસ્તો સાફ થઈ ગયો છે, જે વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઇલના સપ્લાય માટે અત્યંત મહત્વના સમાચાર છે.
પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ કરારની સરખામણી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલા પરમાણુ કરાર (JCPOA) સાથે કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ નવું માળખું જૂના કરાર કરતાં ઘણું મજબૂત છે અને તે સુનિશ્ચિત કરશે કે ઇરાન ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયારો વિકસાવી શકશે નહીં. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ શાંતિ કરાર મુખ્ય 14 મોટી શરતો પર આધારિત છે.
આ પણ વાંચો: દેશમાં ઈંધણ માટે શું જાહેર થઈ નવી સુવિધા, શું થયું ? જુઓ
સમજૂતીની 14 મુખ્ય અને વિગતવાર શરતો:
બંને દેશો વચ્ચે લાંબી મધ્યસ્થી વાટાઘાટો બાદ નીચેની શરતો પર સંમતિ સધાઈ છે:
૧. ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધોની મુક્તિ: ઈરાન પર લદાયેલા આકરા આર્થિક પ્રતિબંધો હટશે. હવે ઈરાન તેના ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટ્સની વૈશ્વિક બજારમાં મુક્તપણે નિકાસ કરી શકશે.
૨. વૈશ્વિક બેંકિંગ વ્યવસ્થાનો એક્સેસ: ઈરાનને તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે તમામ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસાધનો અને વૈશ્વિક બેંકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી પાછી મળશે.
૩. $24 અબજ ડૉલરના ફંડની મુક્તિ: 60 દિવસની મધ્યસ્થી પ્રક્રિયા દરમિયાન અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા ઈરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે. શરત મુજબ, તેમાંથી 12 અબજ ડોલર તો વાતચીત સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલાં જ રીલીઝ કરવા પડશે.
૪. ઈરાનનું કરોડો ડોલરનું પુનર્નિર્માણ: અમેરિકા અને તેના સાથી દેશોએ યુદ્ધ અને પ્રતિબંધોથી પ્રભાવિત ઈરાનના પુનર્નિર્માણ માટે આશરે 300 અબજ ડોલરના રોકાણની મોટી યોજનાઓ રજૂ કરવી પડશે.
૫. તમામ મોરચે કાયમી યુદ્ધવિરામ: લેબનાન સહિત મિડલ ઈસ્ટના તમામ સૈન્ય મોરચાઓ પર ચાલી રહેલી લડાઈ અને હિંસાનો તાત્કાલિક અને હંમેશા માટે અંત આવશે.
૬. સાર્વભૌમત્વનું સન્માન: અમેરિકા ઈરાનની આંતરિક બાબતો કે રાજકારણમાં કોઈ દખલગીરી નહીં કરે અને તેના સાર્વભૌમત્વનું સંપૂર્ણ સન્માન કરવાનું વચન આપશે.
૭. નૌસૈનિક નાકાબંધીનો અંત: અમેરિકા દ્વારા ઈરાનની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલી નૌસૈનિક નાકાબંધીને 30 દિવસની અંદર સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે.
૮. અમેરિકન સૈન્યની વાપસી: અમેરિકન સૈન્ય દળો ઈરાનની આસપાસના સંવેદનશીલ વિસ્તારો અને સરહદો પરથી પાછા હટી જશે.
૯. હોર્મુઝની ખાડી ફરી ખુલશે: આંતરરાષ્ટ્રીય વેપાર માટે લાઈફલાઈન ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને ઈરાનની દેખરેખ અને વ્યવસ્થા હેઠળ 30 દિવસની અંદર વ્યાપારી જહાજો માટે ફરીથી સત્તાવાર રીતે ખુલ્લી મૂકાશે.
૧0. 60 દિવસની સત્તાવાર વાટાઘાટો: પરમાણુ મુદ્દાઓ ઉકેલવા અને પ્રતિબંધોને કાયમી ધોરણે હટાવવાના આખરી કરાર સુધી પહોંચવા માટે બંને દેશો વચ્ચે 60 દિવસનો ઓફિશિયલ સમયગાળો શરૂ થશે.
૧૧. પરમાણુ હથિયાર ન બનાવવાની ખાતરી: ઈરાન પરમાણુ હથિયાર ન બનાવવાના પોતાના એનપીટી (NPT – પરમાણુ અપ્રસાર સંધિ) ના વચનને વૈશ્વિક મંચ પર ફરીથી દોહરાવશે.
૧૨. સૈન્ય ગતિવિધિઓ અને નવા પ્રતિબંધો પર રોક: આ 60 દિવસની મધ્યસ્થી વાટાઘાટો દરમિયાન અમેરિકા મિડલ ઇસ્ટ ક્ષેત્રમાં પોતાની સેના વધારશે નહીં અને ઈરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો પણ નહીં લાદે.
૧૩. યુએન (UN) ની મોનિટરિંગ અને મંજૂરી: આ તમામ શરતોના યોગ્ય અમલીકરણ પર નજર રાખવા એક ખાસ મોનિટરિંગ સિસ્ટમ બનશે. આખરી કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવ દ્વારા વૈશ્વિક મંજૂરી આપવામાં આવશે.
૧૪. મિસાઇલ પ્રોગ્રામ ડીલની બહાર: આ સમજૂતીની સૌથી મહત્વની અને વ્યૂહાત્મક બાબત એ છે કે, ઈરાનનો વિવાદાસ્પદ મિસાઇલ પ્રોગ્રામ અને તેના દ્વારા પ્રાદેશિક ‘રેઝિસ્ટન્સ ગ્રુપ્સ’ (પ્રતિરોધક જૂથો) ને અપાતું સપોર્ટ આ શાંતિ સમજૂતીનો ભાગ નથી, તેને આ ડીલથી અલગ રાખવામાં આવ્યો છે.
ઈરાનનું કડક વલણ: ‘પહેલા પૈસા મુક્ત કરો, પછી જ આગળની વાત’
કરાર ભલે ફાઇનલ દેખાતો હોય, પરંતુ ઈરાન હજુ પણ પોતાની શરતો પર મક્કમ છે. અહેવાલો અનુસાર, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા વચન મુજબ શરૂઆતના 12 અબજ ડોલર મુક્ત નહીં કરે, ઓઇલ પરના પ્રતિબંધો હટાવવાની પ્રક્રિયા શરૂ નહીં કરે અને નૌકાદળની નાકાબંધી ખતમ નહીં કરે, ત્યાં સુધી આખરી તબક્કાની સત્તાવાર વાતચીત અને હસ્તાક્ષરની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે નહીં. હવે સમગ્ર વિશ્વની નજર આગામી રવિવાર પર ટકેલી છે કે શું આ ઐતિહાસિક ડીલ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે કે કેમ.
