રાજકોટ રૂરલ પોલીસના ઓપરેશન મ્યુલહંટ હેઠળ તપાસમાં નવા ધડાકા
માર્કેટ યાર્ડમાં કમિશન પેઢીઓ ચલાવતા હોવાના નામે કૌભાંડ કરનાર ગેંગ સાથે બેન્કની ત્રિપુટી મદદમાં હતી: એકાઉન્ટમાં લાખો, કરોડોની હેરફેરમાં ક્યાંય મુશ્કેલી ન પડે તે માટે મદદ કરીને સાથે તગડી રકમ કમાતા હતા: આરોપીઓની ધરપકડનો આંક ૨૦ થયો, હજુ વધશે
બેન્ક ત્રિપુટીમાં કોનો શું હતો રોલ ? સહીઓ બોગસ કરી ગમે તે ડોક્યુમેન્ટ ચલાવતા
ત્રિપુટીમાં મૌલિક પર્સનલ બેન્કર તરીકે યશ બેન્ક મોવિયા બ્રાન્ચમાં ફરજ બજાવતો હતો એ સમયે આરોપીઓ મનિષ કમાણી, જયનાદપર, ઋષિત રૈયાણી, લાલા ઝાલાવડિયાના સંપર્કમાં રહેતો હતો. પેઢીના પ્રોપરાઈટર નામે એકાઉન્ટ ખોલાવી આપ્યા હતા. બેન્ક મેનેજર તરીકે કલ્પેશ ડાંગરિયા હતો. બેન્કમાં જમા થતી મોટી રકમો મૌલિક આંગડિયા પેઢીઓમાં વાત કરી કૌભાંડીઓ સુધી પહોંચતી કરાવતો હતો. બ્રાન્ચ મેનેજર કલ્પેશ ડાંગરિયા જાણતો હતો કે પોતાના અન્ડરમાં રહેલા બધા બેન્ક એકાઉન્ટ્સનો બોગસ ફ્રોડ ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગ થઈ રહ્યો છે. એકમાં મુળ એકાઉન્ટ હોલ્ડર્સના બદલે અન્યની બોગસ સહીઓ થતી અને ચેક પાસ કરી દેતા હતા. કરંટ એકાઉન્ટ્સમાં કોર બેન્કિંગ સેવા અને વન ટાઈમ લેટર સિસ્ટમ પેઢીના એકાઉન્ટ અને એપીએમસીના લાઈસન્સ સાથે લિંક કરવાથી સમગ્ર સિસ્ટમ બાબતે આરોપીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેન્િંગ સિસ્ટમ હાઈવેલ્યુ ટ્રાન્ઝેક્શન બાબતે એલર્ટ જનરેટ કરે ત્યારે કલ્પેશ બેન્ક મેનેજરની સત્તાની રૂએ બધું ઓકે કરી નાખતો હતો. અનુરાગ બાલધા બેન્ક એકાઉન્ટ્સ ઓપન કર્યા તેના દસ્તાવેજો બોગસ સહીઓ તેમજ જેના નામે ખાતા ખૂલ્યા તે પોતે ન હોવા છતાં એપ્રુવ કરીને સાગરીત બેન્ક મેનેજર કલ્પેશ ડાંગરિયાને સોંપતો હતો. ત્રણેય કમિશન પેટે મોટી રકમ કમાયા હોવાનું પોલીસને જાણવા મળે છે. ત્રિપુટી પૈકી મૌલિક કમાણીએ બીબીએ સુધીનો અભ્યાસ કરેલો છે અને જે તે સમયે યશ બેન્ક મોવિયા શાખામાં હતો. જ્યારે મેનેજર કલ્પેશ ડાંગરિયા યશ બેન્ક જશાપુર, મોવિયા, પડધરી બ્રાન્ચમાં મેનેજર રહી ચૂક્યો છે. હાલ જામનગરના પીપરમાં એક્સિસ બેન્કમાં બ્રાન્ચ મેનેજર છે. જ્યારે અનુરાગ બાલધા યશ બેન્ક બાદ એચડીએફસી બેન્કમાં ફરજ બજાવી રહ્યો હોવાનું એસપીએ જણાવ્યું હતું.
રૂરલની ટીમ દ્વારા તલસ્પર્શી તપાસમાં રેકેટનો આંકડો ૨૫૦૦ કરોડે પહોંચ્યો
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ તરફથી મળેલી ટીપ પર રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ તપાસમાં પડધરી મોવિયા યશ બેન્કમાં ખુલેલા એકાઉન્ટ અને તેમાં ગોંડલ માર્કેટ યાર્ડની જ્યોત ટે્રડિંગ કંપનીના બેન્ક એકાઉન્ટમાં થયેલા અંદાજે ૨૦૦ કરોડના ટ્રાન્ઝેક્શન બહાર આવ્યા હતા. પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. એક પછી એક પેઢીના બેન્ક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન ચેક કરાતા ગયા જેમાં ૧૫૦૦ કરોડ બાદ ઉંડી તપાસમાં હવે આ રેકેટનો આંક ૨૫૦૦ કરોડે પહોંચ્યો છે અને હજુ આંકડો અને આરોપીઓનો આંક વધશે. એસપીના પ્રોપર ગાઈડન્સ હેઠળ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, સાયબર ક્રાઈમ પીઆઈ આર.જે. ગોધમ, પીએસઆઈ એ.એન. કામળિયા, સી.બી. વાંક, એમ.એન. રાઠોડ, કુમારભાઈ ચૌહાણ, પૂજાબેન હેરભા સહિતની ટીમ કાર્યરત છે. ગોબીના પડની માફક એક પછી એક વધુ આરોપીઓની સંડોવણી ખુલી રહી છે.
રાજકોટ રૂરલ પોલીસને સાઈબર ક્રાઈમ ગાંધીનગર તરફથી મળેલી ટીપ અને તપાસમાં ૨૫૦૦ કરોડ જેવી રકમના ફ્રોડ ટ્રાન્ઝેક્શનના મસમોટા રેકેટમાં અત્યાર સુધી નાણાંની હેરફેર કરનારાઓની સંડોવણી ખુલી અને ધરપકડો કરાઈ, હવે આવા લાખો-કરોડોના ટ્રાન્ઝેક્શન કરવા કરાવવામાં મદદગાર કે હાથ કાળા કરનારા બેન્કના બાબુઓ પણ રડારમાં આવ્યા છે. યશ બેન્કના પૂર્વ મેનેજર કાલાવડ શિતલાના કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરિયા, મદદગાર બે સાગરીત બેન્ક કર્મી કાલાવડના પાતામેઘપરના મૌલિક રામજીભાઈ કમાણી તથા જામકંડોરણાના અનુરાગ ચંદુભાઈ બાલધાની ધરપકડ કરાઈ છે.
રાજકોટ રૂરલ પોલીસ દ્વારા અગાઉ ૧૭ આરોપીઓને ઝડપી લેવાયા છે જે હાલ જેલમાં જ છે. સમગ્ર રેકેટમાં બેન્કના કર્મીઓ વિના આવડી લાખો, કરોડોની રકમની હેરફેર શક્ય ન બને તેવી આશંકાએ તે દિશામાં તપાસ દોડાવાઈ હતી અને હાલ યશ બેન્કના એ સમયના ત્રણ કર્મીઓની સંડોવણી ખૂલતા ત્રણેય ઈસમોની મૌલિક કમાણી, કલ્પેશ ડાંગરિયા તથા અનુરાગ બાલધાની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતા. સમગ્ર મામલે એસપી વિજયસિંહ ગુર્જરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તપાસમાં અત્યાર સુધીમાં ૮૫ બેન્ક એકાઉન્ટનો નાણાંના ટ્રાન્ઝેક્શન કરવામાં ઉપયોગ થયો છે. તપાસ દરમિયાન વધુ એકાઉન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન નીકળતા જતા હોવાથી ૧૫૦૦ કરોડના ફ્રોડનો આ આંક ૨૫૦૦ કરોડે પહોંચ્યો છે. સાયબર ક્રાઈમ પોર્ટલ ૧૯૩૦ નંબર પર ફ્રોડ સંદર્ભે ૫૩૫ ફરિયાદ મળી છે.
