ઉનાળા વચ્ચે ફરી માવઠું! માર્ચના અંતિમ દિવસોમાં કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
માર્ચના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે કમોસમી માવઠાની શક્યતા વર્તાઈ રહી છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 29 અને 30 માર્ચના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જેના પગલે માછીમારોને 29 તારીખે દરિયામાં જવાનું ટાળવાની કડક સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 28 માર્ચ સુધી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ ત્યારબાદ સ્થિતિમાં ફેરફાર જોવા મળશે. 30 માર્ચે વરસાદનું વ્યાપ વિસ્તરીને કચ્છ, બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હળવો વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાન હાલમાં 38 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, પરંતુ વરસાદ બાદ તાપમાન ઘટશે.
આ આગાહીથી ઉનાળુ પાક અને બાગાયતી ખેતી કરનારા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે, કારણ કે કમોસમી વરસાદને કારણે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી રહેશે.
