રાજકોટના કાલાવડ-યુનિવર્સિટી રોડ પર ડહોળા પાણીના વિતરણને કારણે અનેક લોકો બીમાર પડ્યા: મનપાનો ‘સબ સલામત’નો દાવો
રાજકોટ મહાપાલિકા હેઠળના વિસ્તારોમાં શુદ્ધ અને પીવાલાયક પાણીનું વિતરણ થાય તે માટે તંત્ર દ્વારા પાણીકાપ ઝીકીને પણ પાણી સંગ્રહિત કરતાં ટાંકા તેમજ ફિલ્ટર પ્લાન્ટનું શુદ્ધિકરણ કરવામાં આવે છે આમ છતાં શહેરના પોશ ગણાતાં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ પર બેથી ત્રણ કિલોમીટર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં ડહોળું અને ગંદૂ પાણી પીવાને કારણે અનેક લોકો બીમાર પડી જતાં ભય ફેલાઈ જવા પામ્યો છે.
જે વિસ્તારમાં લોકો બીમાર પડી રહ્યા છે તેમાં વિમલનગર, રવિ પાર્ક, ગુંજન પાર્ક, પ્રેમમંદિર સહિતના અનેક વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં છેલ્લા ત્રણેક દિવસથી ડહોળું અને દૂર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી આ પાણી પીવાને લીધે લોકો બીમાર પડી રહ્યા છે. આ પ્રકારના પાણીને કારણે લોકોને ઝાડા-ઊલટી સહિતના પેટના રોગ ઉપરાંત ગળામાં ઈન્ફેક્શન, તાવ આવવા લાગ્યા છે.
અહીંના સોસાયટીધારકોએ જણાવ્યું કે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડના બેથી ત્રણ કિલોમીટરના એરિયામાં પાણીને કારણે લોકો બીમાર પડી રહ્યા હોય તેવું નોંધાયું છે. પાણીના ટાંકા સાફ કરવામાં આવ્યા છે પરંતુ પાણીની મુખ્ય સપ્લાય લાઈનમાં કોઈ ખરાબી આવી હોય તેવુંલાગી રહ્યું છે. લોકો દ્વારા અપીલ પણ કરાઈ છે કે આરઓ કે ફિલ્ટરનું પાણી પીવાના બદલે વૈકલ્પીક પાણીનો ઉપયોગ કરવા પર ભાર આપવો જોઈએ.
ઉપરોક્ત વિસ્તારો વોર્ડ નં.10માં આવતાં હોવાથી ત્યાંના કોર્પોરેટર નિરુભા વાઘેલા, વોટર વર્કસ શાખાના પંકજસિંહ ઠાકુર સહિતના વિસ્તારોને અમુક સોસાયટીમાંથી પાણીના નમૂના પણ લીધા હતા.
પાણીમાં ક્લોરિનની માત્રા માપસર છે, બે દિવસમાં નમૂના આવ્યા બાદ ફોલ્ટ પકડાઈ શકે
આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે લોકોની ફરિયાદો બાદ મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાંથી પાણીના નમૂના લઈ ક્લોરિન ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાં ક્લોરિનની માત્રા માપસર હોવાનું ફલિત થયું છે આમ છતાં મુળ સુધી પહોંચવા માટે પાણીના નમૂનાને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા છે જ્યાંથી બે દિવસ બાદ રિપોર્ટ આવી ગયા બાદ ફોલ્ટ પકડાઈ જશે.
