રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો: તોફાની પવન સાથે કરાંનો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,અંધારપટ છવાયું, જુઓ વિડીયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખાતાએ કમોસમી વરસાદની આગાહી કરી હતી તે સાચી ઠરી છે અને અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. હજુ આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં 60 કિમીની ઝડપે પવન અને માવઠાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.રાજકોટ, જામનગર સહિત અનેક વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.
ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ચોમાસા જેવો માહોલ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોરથી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ચોમાસા જેવો માહોલ બંધાયો છે.રાજકોટમાં બપોરે અચાનક વાદળા છવાઇ ગયા હતા અને એકાએક કરા સાથે વરસાદ તૂટી પડતા લોકો ભયભીત થઇ ગયા હતા અનેક જગ્યાએ લોકો ફસાઇ ગયા હતા. ગાજવીજના ભયંકર અવાજથી લોકો ડરી ગયા હતા. રાજકોટના 150 ફુટ રીંગ રોડ, મવડી, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, હનુમાન મઢી ચોક, માધાપર ચોકડી, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડયા છે.
બુધવારે ખાસ કરીને જામનગર અને અમરેલી જિલ્લામાં આકાશી આફત ઉતરી હોય તેમ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અમરેલી જિલ્લાના વડિયા અને બગસરા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. . વડિયા શહેર ઉપરાંત મોરવાડા , બાંટવા વીજ અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શાપર અને સુડાવડ જેવા ગામોમાં પણ માવઠાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જામનગરમાં પણ કમોસમી વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
રાજ્યભરમાં માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં માવઠાની આગાહી છે. 19 માર્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 20 માર્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અસર જોવા મળશે. આ દરમિયાન 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
આ કમોસમી માવઠાને કારણે ખેડૂતો ની ચિંતામાં વધારો થયો છે. તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારો ને દરિયો ન ખેડવા અને નાગરિકોને વીજળીના કડાકા વખતે સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
