વેરાનો ટાર્ગેટ હાંસલ કરવા રાજકોટ મનપા સામે 14 દિવસમાં 52 કરોડ ભેગા કરવાનો પડકાર! 10 મહિનામાં 402 કરોડની વેરા આવક
નવું નાણાકીય વર્ષ શરૂ થવા આડે આજે મંગળવારથી 14 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે 31 માર્ચ સુધીમાં મહાપાલિકાની વેરા શાખાને 454 કરોડનો વેરો ઉઘરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોય આ 14 દિવસમાં હજુ 52 કરોડની ઉઘરાણી કરવાનો પડકાર છે કેમ કે સોમવારે સાંજ સુધીમાં તંત્રની તિજોરીમાં 402 કરોડ રૂપિયાની વેરા આવક જમા થવા પામી છે.
તંત્રના જણાવ્યા પ્રમાણે તા. 9-4-2025થી મિલકતવેરા તેમજ પાણીવેરાની વસૂલાત શરૂ કરવામાં આવી હતી. એકંદરે 10 મહિનામાં કુલ 4,38,442 કરદાતાઓ દ્વારા 402 કરોડ રૂપિયાનો વેરો ભરપાઈ કર્યો છે. પાછલા વર્ષે એટલે કે 2024-25 દરમિયાન 4,07,276 કરદાતાઓ દ્વારા 390.86 કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો હોય તેની તુલનાએ ચાલુ વર્ષે 31,166 જેટલા વધુ કરદાતાઓએ 12 કરોડનો વેરો ભરપાઈ કરતા આવકમાં વધારો નોંધાયો છે.
જો કે વેરા વસૂલાતનો લક્ષ્યાંક 454 કરોડ હોય તંત્ર દ્વારા આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે 14 દિવસમાં મોટાપાયે સીલિંગ, જપ્તી, નળ કનેક્શન કાપવા સહિતની ઝુંબેશ ચલાવવામાં આવશે. દરમિયાન મિલકત વેરા અને પાણીવેરા ઉપરાંત 5,000-5,000 મળી કુલ 10,000ની વ્યાજમાફી પણ આપવામાં આવી રહી હોય લોકોને તેનો વધુમાં વધુ લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે.
