ચીને અરૂણાચલ સીમા પાસે 450 ગામ વસાવી લીધા: સેનાના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી, વ્યૂહાત્મક રીતે દેશ માટે જોખમી
ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીને ભારતની સામેના તેના સરહદી વિસ્તારોમાં, ખાસ કરીને અરુણાચલ પ્રદેશની સીમા પર સેંકડો કહેવાતા “સમૃદ્ધ” ગામડાઓનું નિર્માણ કર્યું છે. આમ વાસ્તવિક નિયંત્રણ રેખા પર સુરક્ષા અંગે વ્યૂહાત્મક ચિંતાઓ ઉભી થઈ છે. એક હકીકત એવી પણ છે કે ભારત એકાએક ચીન પ્રત્યે નરમ પડતું જાય છે અને સામે ચીન ભારત માટે વ્યૂહાત્મક રીતે જોખમો ઊભા કરે છે.
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) એ નવી દિલ્હીમાં યુનાઈટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયાના સહયોગથી આસામ રાઈફલ્સ દ્વારા આયોજિત એક સેમિનાર દરમિયાન આ મુદ્દા પર પ્રકાશ પાડયો હતો. સેમિનારમાં ભારતના ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં ઉભરતા સુરક્ષા પડકારોની તપાસ કરવામાં આવી હતી.
સેનાના જણાવ્યા અનુસાર, ચીને છેલ્લા બે દાયકામાં તેની ઉત્તરીય સરહદો પર લગભગ 628 ગામડાઓનું નિર્માણ કર્યું છે. આમાંથી, લગભગ 72 ટકા-લગભગ 450 ગામડા-ભારતના ઉત્તરપૂર્વી ય રાજ્યોની સામે સ્થિત છે.
બેઈજિંગ વસાહતોને ગ્રામીણ વિકાસ અને ગરીબી નિવારણ પહેલના ભાગ રૂપે વર્ણવે છે, ત્યારે ભારતીય સુરક્ષા વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે ગામડાઓ બેવડા નાગરિક અને વ્યૂહાત્મક રીતે જોખમી બની શકે છે. લોજિસ્ટિકલ સપોર્ટ અને સરહદની નજીક વધેલી લશ્કરી ગતિશીલતા પણ ભારે ચિતાનો વિષય બની છે.
