રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક
યુધ્ધની પ્રવર્તમાન સ્થિતિમાં ખાસ અસર રાંધણ અને અન્ય ગેસ અને પેટ્રોલ-ડીઝલ પર પડી હોવાના પગલે અન્ય રાજ્ય, શહેરોમાં હોટલોથી લઈ હવે સપ્લાય ચેઈન સુધીમાં દેકારો મચ્યાના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના પુરવઠા વિભાગ દ્વારા પણ આવી આગમચેતીરૂપી તૈયારીના ભાગરૂપે ઓઈલ કંપનીઓ સાથે બેઠક યોજી હતી. રાજકોટ જિલ્લામાં રાંધણ ગેસ તથા પેટ્રોલ, ડીઝલનો પુરવઠો (જથ્થો) પર્યાપ્ત, પુરતા પ્રમાણમાં હોવાનો દાવો કરાયો છે.
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. ઝાપડાએ જણાવ્યું હતું કે વર્તમાન હાલતને લઈને રાજકોટ પુરવઠા વિભાગ સક્રિય છે. રાજકોટ જિલ્લામાં 6 ઓઈલ માર્કેટિંગ કંપનીઓના 361 પેટ્રોલ પંપો આવે છે. આવી જ રીતે આઈઓસી, બીપીસી, એચપીસી ત્રણ કંપનીઓની 66 ગેસ એજન્સીઓ આવેલી છે.
તમામ કંપનીઓના જવાબદાર અધિકારી સાથે મીટિંગ કરાઈ છે. પુરતો ડેટા મેળવાયો છે. હાલની સ્થિતિ મુજબ રાજકોટ જિલ્લામાં પેટ્રોલ પંપો માટે ઇંધણનો જથ્થો પુરતા પ્રમાણમાં છે. આવી જ રીતે ગેસ એજન્સીઓમાં પણ રાંધણ ગેસ સિલીન્ડર્સનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં હોવાનો જિલ્લા પુરવઠા અધિકારી ઝાપડા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
સાથે અપીલ કરાઈ છે કે, પેટ્રોલ, ડીઝલ, ઘરેલું ગેસનો ખોટી સંગ્રહખોરી ન કરવી, જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહેશે. જો કે અધિકારીએ ભલે રાજકોટ જિલ્લા સંદર્ભને ટાંકીને દાવો કર્યો છે પરંતુ અન્ય રાજ્યો અને શહેરોમાં એલપીજી ગેસ બાબતે દેકારો બોલી રહ્યો છે જેને લઈને રાજકોટ જિલ્લા સ્થાનિક તંત્રએ પુરવઠા માટે એલર્ટ રહેવું તો જરૂરી જ છે.
