ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર
વિકાસની રફ્તાર, રાજકોટમાં લગાતાર – આ સૂત્ર રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન જયમીન ઠાકરે બરાબરનું સાર્થક કરી બતાવ્યું. તેમના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડના વિકાસ મંજૂર કરી આવનારા પદાધિકારીઓ માટે એક માઈલસ્ટોન બેસાડી દીધો છે. જયમીન ઠાકરે અઢી વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ શોભાવ્યું હતું અને તેમના કાર્યકાળમાં કમિટીની કુલ 48 બેઠક મળી હતી અને તેમાં 44.14 કરોડના વિકાસકામને બહાલી આપવામાં આવી હતી.
તેમના કાર્યકાળમાં દરેક વોર્ડમાં કોમ્યુનિટી હોલ, આધુનિક વોર્ડ ઓફિસ, દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર, આધાર કેન્દ્ર, આંગણવાડીનું આયોજન, દરેક આંગણવાડીમાં વોટર ફુલર તેમજ વોટર પ્યુરિફાયર, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તેમજ અન્ય મિલકતો પર સોલાર રૂફટોપ, દરેક ઝોનમાં સ્પોર્ટસ સંકુલ, દરેક ઝોનમાં પાર્ટી પ્લોટ, દરેક ઝોનમાં નવી શાક માર્કેટ, દરેક ઝોનમાં મહિલા હોકર્સ ઝોન, નવો સાઉથ ઝોન, હયાત સાત ફાયર સ્ટેશન સહિત 17 વોર્ડમાં ફાયર સ્ટેશનનું આયોજન, 10થી વધુ વોર્ડમાં ડીઆઈ પાઈપલાઇનનું કામ, પદાધિકારીઓને ફાળવાતી વિકાસ કામની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે
150 ફૂટ રિંગરોડ પર આઈકોનિક બ્રિજ, વર્કિંગ વિમેન હોસ્ટેલ, અટલ સરોવર-સ્માર્ટ સિટીનું લોકાર્પણ, નવા 17 બગીચા-પાર્કનું નિર્માણ, ઘનિષ્ઠ વૃક્ષારોપણ, માધાપર વિસ્તારમાં નવી લાયબ્રેરી, વિદ્યાર્થીઓ માટેના નવા 7 વાંચનાલય, જન્મ-મરણ પ્રમાણપત્રની પ્રથમ 5 નકલ વિનામૂલ્યે આપવા, આવતા વર્ષથી મહિલાઓ માટે મહિલા સુરક્ષિત સફર યોજના અંતર્ગત પીંક બસનું આયોજન સહિતના વિકાસકામોને બહાલી આપી હતી.
