બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં મોટો વળાંક: ગણેશ ગોંડલને મોટી રાહત, SITએ આપી ક્લીનચીટ, આક્ષેપો પાયાવિહોણા
ગોંડલમાં રહેતા રાજસ્થાનના વતની રાજકુમાર રતનલાલ ચૌધરી જાટ નામના યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેની સાથેના ઈસમો દ્વારા માર માર્યા બાદ લાપત્તા રાજકુમાર જાટની ત્રણ દિવસ પછી રાજકોટ નજીક કુવાડવા હાઇ-વે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યાની સંદિગ્ધ ઘટનામાં તપાસ માટે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી ત્યારે SITની ટીમ દ્વારા નિવેદન અને સીસીટીવી સહિતના પુરાવાની તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે STI દ્વારા ગણેશ ગોંડલને ક્લીનચિટ આપી દેવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
સાત માસથી વધુ સમયથી ચર્ચાસ્પદ બનેલા કેસમાં તપાસ ખૂલતા ચકચાર જાગી છે. ગોંડલમાં ત્રણેક દશકાથી વધુ સમયથી રહેતા અને ગોંડલ ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામે વ્યવસાય કરતાં રતનલાલ જાટનો એન્જિનિયર પુત્ર રાજકુમાર જાટ યુપીએસસીની તૈયારી કરતો હતો. ગત તા.2 માર્ચના રોજ રાજકુમાર તથા તેના પિતા બન્ને બાઈક પર જઈ રહ્યા હતા. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલો પાસે જ પિતા-પુત્ર ઝઘડી પડ્યા હતા. જેને ઘટનામાં પૂર્વ એમએલએ પુત્ર ગણેશે પિતા-પુત્રને ઘરમાં લઈ જઈ અન્ય ઈસમો સાથે મળીને મારકૂટ કરી હતી. ત્યારબાદ તા.3 માર્ચના મોડીરાત્રીના રાજકુમાર લાપત્તા બની ગયો હતો.
ત્યારે આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુંને સોંપવામાં આવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને DYSP જે.ડી. પુરોહિતની આગેવાનીમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. SIT ટીમે સતત 3 મહિના સુધી આ કેસની વિગતવાર તપાસ કરી. તપાસમાં બનાવ સ્થળના CCTV ફૂટેજ, અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવર અને ગણેશ ગોંડલ સહિત તેમના સાથીઓના નિવેદનો સમાવવામાં આવ્યા. તમામ પાસાઓની ઊંડાણપૂર્વક ચકાસણી પછી SIT ની તપાસમાં સાબિત થયું કે રાજકુમાર જાટનું મોત હત્યા નહીં, પરંતુ એક અકસ્માતને કારણે થયું હતું. આ ઘટના સાથે ગણેશ ગોંડલનો કોઈ સંબંધ ન હોવાનું પણ સ્પષ્ટ થયું, અને મૃતકના પરિવાર દ્વારા લગાવેલા હત્યાના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા.
પૂર્વમાં સ્થાનિક પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા પણ આ ઘટનાને અકસ્માત જાહેર કરવામાં આવ્યું હતું. SIT દ્વારા આ તપાસને પુષ્ટિ મળતાં હાઈકોર્ટમાં સંપૂર્ણ દસ્તાવેજી પુરાવા સાથે ક્લીનચિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જે ગણેશ ગોંડલ માટે મોટી રાહત બની. આ મામલે આગળની સુનાવણીની તારીખ 29 જૂન, 2026 નિર્ધારિત કરવામાં આવી છે.
DYSP જે.ડી. પુરોહિત, જેઓ SITના તપાસ અધિકારી પણ છે, તેમણે જણાવ્યું કે હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં તમામ પુરાવા — શાહેદોના નિવેદનો, CCTV ફૂટેજ અને અન્ય દસ્તાવેજી માહિતી — સાથે આ ઘટના વિશેનો સંપૂર્ણ વિગતો સમાવિષ્ટ છે. તપાસમાં સ્પષ્ટ થયું કે ગણેશ ગોંડલનો આ અકસ્માતમાં કોઈ હાથ નથી.
