ચોક્કસ જ્ઞાતિના લોકોની લાગણીને ઠેસ પહોંચતી હોવાથી રાજકોટના 3 વિસ્તારના નામ બદલાશે: ‘સ્પેશિયલ જનરલ બોર્ડ’માં મંજૂરી આપવામાં આવશે
મહાપાલિકાના શાસકોની ચાલુ ટર્મ 11 માર્ચે પૂર્ણ થઈ રહી છે તે પહેલાં 10 માર્ચે સ્પેશિયલ જનરલ બોર્ડ (ખાસ સામાન્ય સભા) બોલાવવામાં આવ્યું છે જેમાં અનેક દરખાસ્તો કે જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે તેને હવે જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપી અમલમાં લાવવામાં આવશે. ખાસ કરીને શહેરના ત્રણેક વિસ્તારો એવા છે જેના નામથી ચોક્કસ જ્ઞાતિના લોકોની લાગણીને ઠેસ પહોંચતી હોવાથી તેના નામ બદલવાના ઠરાવને પણ આ બોર્ડમાં મંજૂરી આપવામાં આવશે.
જનરલ બોર્ડના એજન્ડામાં સામેલ દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાપાલિકાની હદમાં આવેલા વિસ્તારમાં અનુસુચિત જાતિ-અનુસુચિત જનજાતિ (એસસી-એસટી) લોકોની લાગણીઓ-ગરીમાને ઠેસ પહોંચે તેવા વિસ્તારો, વસાવહતો, જાતિ-સુચક, અપમાનજનક વિસ્તારો જેમાં વોર્ડ નં.7માં આવેલા ઠક્કરબાપા હરિજનવાસ, વોર્ડ નં.3માં તોપખાના હરિજનવાસ અને વોર્ડ નં.15માં કસ્તુરબા હરિજનવાસ તરીકે અપમાજનક ઓળખાતા વિસ્તારોના નામ બદલી કરવા અંગે સમાજ કલ્યાણ સમિતિના ઠરાવને ધ્યાનમાં લઈ નામ બદલવા અંગે નિર્ણય લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2026-27ના બજેટમાં મિલકતવેરા-પાણીવેરા ઉપર કુલ દસ હજારની વ્યાજમાફી અંગે નિર્ણય લેવા, કોમ્યુનિટી હોલના બુકિંગના નિયમોમાં સુધારા કરવા, અમીન માર્ગ પર 106 કરોડમાં વેચાયેલા પ્લોટના વેચાણને મંજૂરી આપવા, લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં શોપિંગ સેન્ટર હેતુની દુકાનો જાહેર હરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરવા, મહાપાલિકામાં જુદી-જુદી શાખાઓની જગ્યાઓના પગારધોરણમાં સુધારો કરવા, વેસ્ટર્ન રેલવેને ફાળવવામાં આવેલી જગ્યાનું ભાડું રિવાઈઝ કરવા સહિતની દરખાસ્તો ઉપર નિર્ણય લેવામાં આવશે. આ સ્પેશિયલ બોર્ડ હોવાથી તેમાં પ્રશ્નોત્તરીને સ્થાન આપવામાં આવ્યું નથી.
