વડાપ્રધાન મોદી આવતીકાલે ઇઝરાયલ યાત્રા પર થશે રવાના: નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, સંરક્ષણ સહિતના ક્ષેત્રો અંગે થઈ શકે છે કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ઇઝરાયલના મહત્વપૂર્ણ પ્રવાસે જઈ રહ્યા છે. 2017ના ઐતિહાસિક પ્રવાસ પછી આ તેમની ઇઝરાયલની બીજી અને તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાનની પહેલી મુલાકાત હશે. 25 થી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ યાત્રા પશ્ચિમ એશિયાના ભૂરાજનીતિના મહત્વપૂર્ણ તબક્કે થઈ રહી છે અને સંરક્ષણ, ટેકનોલોજી, નવીનતા અને વેપાર ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસોનો સંકેત આપે છે.

બે દિવસની મુલાકાત દરમિયાન, મોદી ઇઝરાયલની સંસદ, નેસેટને સંબોધિત કરે તેવી અપેક્ષા છે – એક દુર્લભ સન્માન જે બે લોકશાહી દેશો વચ્ચે રાજકીય સુમેળ પર ભાર મૂકે છે. અગાઉ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2015માં ઇઝરાયલની પ્રથમ મુલાકાત દરમિયાન નેસેટને સંબોધિત કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદી ઇઝરાયલમાં ભારતીયોને સંબોધિત કરશે અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ વાટાઘાટો દરમિયાન, ટેકનોલોજીકલ સહયોગ, સુરક્ષા સહયોગ, એઆઈ , કૃષિ, પાણી વ્યવસ્થાપન અને વેપાર સહિત ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, જે દ્વિપક્ષીય ભાગીદારીના વધતા અવકાશને પ્રતિબિંબિત કરે છે.
સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહેશે. ભારત અને ઇઝરાયલ પહેલાથી જ મજબૂત સંરક્ષણ સંબંધો ધરાવે છે, અને ઇઝરાયલ ભારતને અદ્યતન લશ્કરી ટેકનોલોજીના મુખ્ય સપ્લાયર્સમાંનું એક છે.
