ભવનાથ મેળો-શ્રધ્ધા સાથે આધુનિકતાનો સમન્વય: સેલ્ફી પોઇન્ટ્સ, અન્ય રાજ્ય ઉપરાંત વિદેશમાંથી પણ ઊમટ્યા
દર્શનાર્થીઓ: સાધુ-સંતોના દર્શનો, શિવભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ઠેર-ઠેર ભક્તિમય આયોજનો
જૂનાગઢની ધરા પર મહાશિવરાત્રીના ભવનાથ મેળામાં શિવના `મહાદેવ હર’ના ચોતરફ નાદ ગુંજી રહ્યા છે. મેળામાં સાધુ-સંતો, નાગાબાવાઓ સહિતના મહાત્માઓના દર્શનાર્થે, મેળામાં ભક્તિ સાથે ભાવિકોનો મેળો ભરાયો છે. દેશના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ ભક્તજનો ઉમટ્યા છે. લાખો દર્શનાર્થીઓ ચાર દિવસ મેળામાં ભાવવિભોર બન્યા, આવતીકાલે રવિવારે મહાશિવરાત્રીએ ભવનાથ મેળાનો આખરી દિવસ હશે. ભવનાથમાં ભક્તોનો મહેરામણ ઉમટશે. તંત્ર દ્વારા સલામતીથી લઈ અન્ય તમામ સવલતો બાબતે પુરતી તકેદારી રખાઈ રહી છે. જો કે સ્થાનિકોના કહેવા મુજબ ગત વખત કરતાં આ વખતે ભાવિકો ઓછા આવ્યા છે. કદાચ છેલ્લા દિવસે ઉમટી પડે.
જૂનાગઢ મહાશિવરાત્રીમેળાને આ વખતે રાજ્ય સરકાર દ્વારા મિનિકુંભ જેવો માહોલ સાથેના આયોજન માટે અગાઉથી તૈયારીઓ કરાઈ હતી. એસટી બસો ઉપરાંત ટે્રનોની ભાવિકો માટે વિશેષ સવલતો પણ ઉપલબ્ધ કરાવાઈ છે. ભવનાથ મેળામાં સૌથી મહત્વરૂપ મૃગીકુંડ છે. ભવનાથ મંદિરમાં આવેલા આ મૃગીકુંડમાં નાગાબાવાઓ, સાધુ-સંતો શિવરાત્રીએ મધરાત્રે સ્નાન કરે, ડુબકી લગાવે છે.કહેવાય છે કે, ઘણા સંતો ડુબકી લગાવે છે બાદ અલોપ થઈ જાય છે એવી વાયકાપણ છે કે રાત્રીના શંકર ભગવાન મૃગીકુંડમાં સ્નાન કરવા પધારે છે. આ મહિમાને લઈ મૃગીકુંડ દર્શન માટે શિવરાત્રીએ ભાવિકોનો ભારે ઘસારો રહે છે. મેળામાં સેલ્ફી પોઈન્ટ સાથેના અનેક આકર્ષણો છે. મેળામાં સ્ટોલ્સ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, રોજ રાત્રે નામી કલાકારો દ્વારા શિવભક્તિમાં ભાવિકોને તરબોળ કરાઈ રહ્યા છે.જૂનાગઢ ભવનાથમાં અત્ર-તત્ર-સર્વત્ર શિવ, શિવ, બમબમ ભોલે, હર હર મહાદેવના ૨૪ કલાક નાદ ગુંજી રહ્યા છે. આ વખતે ખાસ એપ પણ લોંચ કરાઈ જેમાં એપ મારફતે દર્શનાર્થીને સમગ્ર ભવનાથ મેળાની માહિતી મળી શકે. ધર્મપ્રેમી સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા ભવનાથમાં ભંડારા-પ્રસાદ પણ ૨૪ કલાક ધમધમતા રહે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મેળામાં ઉદ્ઘાટન કરાયા સમયે જ તમામ અધિકારીઓ, તંત્રને ભાવિકો માટેની સવલત, મેળામાં સુવ્યવસ્થા બાબતે સૂચિત કરાયા હતા. આવતીકાલે રવિવારે મેળાનો આખરી દિવસ હશે.
