હવે શિક્ષકોને કૂતરા ગણવા આદેશ: SIRની કામગીરી પૂરી થઇ નથી ત્યાં નવો ફતવો, શિક્ષણ કાર્ય બગડવાનો કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાનો વિવાદ ફરી એકવાર વકર્યો. છે. હજી તો શિક્ષકો (સ્કૂલ ઇન્સ્પેક્શન-રિવ્યુ)ની કામગીરીમાંથી માંડ મુક્ત થયા છે, ત્યાં જ શિક્ષણ નિયામક દ્વારા એક નવો પરિપત્ર જારી કરાયો છે. આદેશ મુજબ, શિક્ષકોએ હવે-પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી કરી તેની સચોટ માહિતી આપવાની રહેશે.
સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો નાયબ-શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા-પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ_ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ_ જાહેર સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી. અનિવાર્ય છે. આ માર્ગદર્શિકાના પાલન માટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ અને તેના પરિસરમાં રહેતા શ્વાનોનો સર્વે કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે.
‘શું શિક્ષકો સિવાય કોઈ કામ કરનાર નથી?’
આ પરિપત્રનો વિરોધ કરતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, “ગુજરાતમાં પહેલાથી જ ૩ હજાર જેટલી શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને ક્યારેક શૌચાલય ગણવા, ક્યારેક ભીડ ભેગી કરવા તો ક્યારેક ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરી દેવામાં આવે છે. હવે કૂતરા ગણવાના આદેશથી વર્ગખંડમાં શિક્ષણ આપવાનો સમય જ નહીં રહે. શું સરકાર પાસે શિક્ષકો સિવાય અન્ય કોઈ તંત્ર જ નથી જે આ ગણતરી કરી શકે?“ કોંગ્રેસે આ પરિપત્ર તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
‘વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ જરૂરી’
આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રધુમન વાજાએ જણાવ્યું હતું કે, “આક્ષેપો કરવા એ કોંગ્રેસનું કામ છે, પરંતુ આ પરિપત્ર સુપ્રીમ કોર્ટના આદેશ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષકોએ શૈક્ષણિક સંકુલની બહાર જઈને ક્યાંય સર્વે કરવાનો નથી, માત્ર કેમ્પસની વિગતો આપવાની છે.” તેમણે ઉમેર્યું હતું કે આ એક વહીવટી પ્રક્રિયા છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.
