ટેકનિકલ ખામી નહોતી,પાઇલટે જ બંધ કરી’તી ફ્યુઅલ સ્વીચ? અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ઇટાલિયન અખબારનો ધડાકો
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાની દુર્ઘટના ટેકનિકલ ખામીથી નહીં પરંતુ સંભવિત ઇરાદાપૂર્વકની માનવીય ક્રિયા કારણે સર્જાઈ હોવાનો દાવો ઇટાલિયન અખબાર કોરિએરે દેલા સેરાએ કરતા દેશ-વિદેશમાં ભારે ચકચાર મચી છે. જો કે DGCA તથા સત્તાવાર તપાસ અહેવાલ જાહેર થયા પહેલાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે.
અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ લીધા બાદ થોડા જ સેકન્ડમાં ધરાશાયી થયેલા એર ઇન્ડિયાના બોઇંગ-787 ડ્રિમલાઇનર વિમાનમાં સવાર મુસાફરો તેમજ જે મેડિકલ વિદ્યાર્થીઓના હોસ્ટેલ પર વિમાન પડ્યું તે સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. સમગ્ર દુર્ઘટનામાં માત્ર એક મુસાફર જ જીવિત બચ્યો હતો.
ઇટાલિયન અખબારના અહેવાલ મુજબ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે ચાલી રહેલી તપાસ સંબંધિત ચર્ચાઓથી માહિતગાર સૂત્રોના હવાલે તપાસકર્તાઓએ પ્રાથમિક રીતે માન્યું છે કે દુર્ઘટના મશીનરી ખામીના કારણે નહોતી. વિમાનના એન્જિનને ફ્યુઅલ સપ્લાય આપતી કોકપિટની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મેન્યુઅલી બંધ કરી દેવામાં આવતા બંને એન્જિન બંધ થઈ ગયા અને વિમાન પાવર ગુમાવી જમીન પર પટકાયું.
અમેરિકી નિષ્ણાતો પણ તપાસમાં સહાય કરી રહ્યા છે અને તેમણે આ શોધને “બ્રેકથ્રૂ” ગણાવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હવે ભારતીય તપાસ અધિકારીઓ અંતિમ અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયામાં હોવાનું પણ જણાવાયું છે.
આ પણ વાંચો:IND VS NAM: કોહલીનું ટી-શર્ટ પહેરીને મેચમાં હાર્દિકને મળવા પહોંચ્યો ફેન! સુરક્ષા ઘેરો તોડીને હાર્દિકને ગળે લગાવ્યો, સૂર્યાભાઈ થયા ગુસ્સે
વિમાનના પાઇલટ-ઇન-કમાન્ડ કેપ્ટન સુમિત સભારવાલ અને કો-પાઇલટ ક્લાઇવ કુન્ડર હતા. અહેવાલ મુજબ જવાબદારી અંગે હજુ સ્પષ્ટતા નથી, પરંતુ તપાસમાં એક પાઇલટ દ્વારા સ્વિચ બંધ કરાયું હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જોકે સત્તાવાર અહેવાલ જાહેર ન થાય ત્યાં સુધી કોઈ અંતિમ નિર્ણય થયો ગણાશે નહીં.
દુર્ઘટના બાદ શરૂઆતમાં ટેકનિકલ ખામી, માનવીય ભૂલ સહિત વિવિધ સંભાવનાઓ સામે આવી હતી, પરંતુ સમય જતાં તપાસ ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમ પર જ કેન્દ્રિત થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પાઇલટ પરિવાર અને પાઇલટ સંઘનો વિરોધ
પ્રાથમિક અહેવાલ બહાર આવ્યા બાદ પાઇલટ સંઘોએ આવા તારણો સામે વિરોધ નોંધાવ્યો હતો અને પુરતા પુરાવા વગર પાઇલટને જવાબદાર ઠેરવવા સામે આક્ષેપ કર્યો હતો. કેપ્ટન સુમિત સભારવાલના પિતાએ પણ તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે પોતાના પુત્રને ડિપ્રેશન હોવાના દાવાને નકારી કાઢતાં નવી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. વ્યક્તિગત જીવનની સમસ્યાઓ અથવા તલાકના કારણે માનસિક તણાવમાં હતો તેવા દાવાઓને પણ તેમણે અફવા ગણાવ્યા હતા.
બ્લેક બોક્સમાં શું છે ?
જુલાઈ 2025માં જાહેર થયેલા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક અહેવાલમાં કોકપિટ વોઇસ રેકોર્ડિંગનો ઉલ્લેખ હતો. તેમાં એક પાયલટ બીજા પાયલટને પૂછતો સંભળાય છે — “તમે ફ્યુઅલ શા માટે કાપ્યું?” અને જવાબ મળ્યો — “મેં એવું કર્યું નથી.” આ સંવાદ બાદ તપાસનું ધ્યાન ખાસ કરીને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ પર કેન્દ્રિત થયું હતું.તપાસકર્તાઓના ટેકનિકલ મૂલ્યાંકન મુજબ બ્લેક બોક્સ ડેટાએ મિકેનિકલ ખામીની સંભાવના નકારી કાઢી છે અને એન્જિન ઇગ્નિશન તથા શટડાઉન નિયંત્રિત કરતી સ્વિચ મેન્યુઅલી ખસેડવામાં આવી હોવાના સંકેત મળ્યા છે.
