જન આરોગ્ય પર ખતરો: સુરતમાં એક વર્ષમાં 75,356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી નીકળી, ચીઝ, પનીર, માવો સહિતની વસ્તુઓ અખાદ્ય
સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત મુજબ હવે સુરતની ડેરી પ્રોડક્ટ્સ જમણમાં ખતરા કે લાલબતીરૂપ બનતી દેખાઈ રહી છે. છેલ્લા 1 વર્ષમાં અધધધ એટલે કે 75,356 કિલો ડેરી પ્રોડક્ટ્સ ભેળસેળવાળી લેબોરેટરીમાં સાબિત થઈ ગઈ છે. ઘી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ, મીઠો માવો સહિતનો ₹1.96 કરોડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ફાસ્ટ ફૂડમાં ચીઝ, બટર અને પનીરનો ઉપયોગ વધી રહ્યો છે. માંગ જોઈને કેટલાક લેભાગુ વેપારીઓ ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં એક ડેરી, ગોડાઉન અને પ્રોડક્શન હાઉસમાંથી મોટા પાયે બનાવટી પનીર ઝડપાયું હતું. જોકે, ડેરીએ ફરી ભેળસેળ નહીં કરે તેવી લેખિત ખાતરી આપતાં આશ્ચર્યજનક રીતે સીલ ખોલી આપવામાં આવ્યા હતા.
છેલ્લા 1 વર્ષમાં ફૂડ વિભાગે પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હતા, જેમાં 75,356 કિલો ડેરી પ્રોડક્ટ્સ ભેળસેળવાળી સાબિત થઈ છે. સુરતમાં એક જ વર્ષમાં ઘી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ અને મીઠો માવો સહિતનો ₹1.96 કરોડનો જથ્થો પોલીસે સીઝ કર્યો છે.
આ પણ વાંચો :શું વડાપ્રધાન એપ્સટિન ફાઇલથી ડરી ગયા? નરેન્દ્ર મોદીની ગેરહાજરી અંગે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીનો સવાલ, બંને ગૃહોમાં ધમાલ
આટલી મોટી માત્રામાં ઘી, પનીર, તેલ, માખણ, એનાલોગ ચીઝ અને મીઠો માવો ઝડપાયો હોય તો પ્રશ્ન ઊભો થાય છે કે આ પહેલાં કેટલા કિલો કે ટન અખાદ્ય અને શરીર માટે જોખમી, રોગ નોતરતી ડેરી પ્રોડક્ટ્સ લોકોના પેટમાં પહોંચી ગઈ હશે?
કામરેજ, વરાછા અને પુણા જેવા વિસ્તારોમાં નાના ગોડાઉન અને ગેરકાયદે યુનિટોમાં ભેળસેળ કરીને ડેરી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી હતી અને તેનું વેચાણ કરવામાં આવતું હતું.
