ત્રણ સગી બહેનો પ્રેમીઓ સાથે ફરાર: મોટી બહેન હાજર થતા ખુલ્યું રહસ્ય,રાજકોટની એરપોર્ટ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
રાજકોટ શહેરના હિરાસર એરપોર્ટથી 20 કિ.મી.ના અંતરે આવેલા બેડલા સીમ વિસ્તારમાં રહેતી એક જ પરિવારની ત્રણ સગી બહેનો ગત 15મી જાન્યુઆરીના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે કે ત્રણેય બહેનો પોતપોતાના પ્રેમીઓ સાથે ભાગી ગઈ હતી. પોલીસે આ મામલે મોટી બહેન સહિત તેના પ્રેમીઓ વિરુદ્ધ અપહરણ અને મદદગારીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘટનાની વિગતો મુજબ, 15મી જાન્યુઆરીએ ત્રણ બહેનો એકાએક ગુમ થતા િંચતિત માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મોટી બહેન પુખ્ત વયની (18 વર્ષથી ઉપર) છે, જ્યારે અન્ય બે બહેનોની ઉંમર 17 વર્ષ અને 12 વર્ષ છે. કાયદાકીય રીતે મોટી બહેન તેની નાની બહેનોની વાલી ગણાય પરંતુ તે પોતે જ નાની બહેનોને લઈને ભાગી હોવાનું સામે આવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. તપાસ દરમિયાન મોટી બહેન અચાનક પોલીસ મથકે હાજર થઈ ગઈ હતી.
આ પણ વાંચો :રાજકોટના કોર્પોરેટરે પૂછયું, કર્મચારીને ફડાકો મારનાર કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કેમ નથી થતો? તંત્રએ કહ્યું, તપાસ ચાલુ!
તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે રાજપરાના મયુર હીરાભાઈ ચાવડા સાથે પ્રેમસંબંધમાં હતી 17 વર્ષની બહેન કાબરણના વિશાલ રમેશ મકવાણા સાથે ભાગી હતી 12 વર્ષની નાની બહેન કડુકાના સાવન ઝવેરભાઇ મકવાણા સાથે હોવાનું ખુલ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 17 વર્ષની સગીરાને તેના પ્રેમી સાથે શોધી કાઢી છે અને તેનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. સગીરાના જણાવ્યા મુજબ પ્રથમ તેઓ પ્રેમી સાથે ગોંડલ ગયા હતા ત્યારબાદ કાગવડ નજીક રોડ ઉપર રહીને રાત પસાર કરી હતી. એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ સાવલિયાએ યુવતીના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. જેમાં મોટી બહેનને નાની બહેનોના અપહરણમાં મદદગારી કરવા બદલ અને અન્ય યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે 12 વર્ષની માસૂમ તરુણી હજુ પણ ગુમ હોવાથી પોલીસની અલગ-અલગ ટીમો તેને અને તેના પ્રેમી સાવન ડાભીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો મેડિકલ પરિક્ષણમાં સગીરા સાથે સંભોગ થયાનું આવશે તો લઇ જનાર શખસ સામે પોક્સો હેઠળ ગુનો નોંધાશે.
