રાજકોટના કોર્પોરેટરે પૂછયું, કર્મચારીને ફડાકો મારનાર કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કેમ નથી થતો? તંત્રએ કહ્યું, તપાસ ચાલુ!
ગત 5 જાન્યુઆરીએ રાજકોટના વોર્ડ નં.18ના આસિસ્ટન્ટ એન્જિનિયર ધવલ ગોલાણિયા ઉપર પેટા કોન્ટ્રાક્ટર મનિષ વેકરિયા દ્વારા ડેપ્યુટી ઈજનેરની ઓફિસમાં જ ફડાકાવાળી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતાં મહાપાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો. આ ઘટનાને 17 દિવસ પસાર થઈ ગયા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા ન હોય દાળમાં કંઈક કાળું હોવાની શંકા ઘેરી બની રહી છે. દરમિયાન કોર્પોરેટર દ્વારા આ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તંત્ર દ્વારા તપાસ ચાલુ હોવાનો લેખિત જવાબ આપી હાથ ઉંચા કરી દેવામાં આવ્યો હતો.
અત્રે મહત્ત્વની વાત એ છે કે ફડાકો મારનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસની પણ ન થઈ રહી હોય તેવી તપાસ મહાપાલિકા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે 17 દિવસ સુધી તપાસ કરવી પડે તેવો પેચીદો આ મામલો પણ નથી આમ છતાં તંત્ર દિવસ કાઢવામાં માનતું હોવાનું લાગ્યા વગર રહેતું નથી.
આ પણ વાંચો :ભારતમાં ન રમવાની જિદ્દ પકડીને બેઠેલું બાંગ્લાદેશ આખરે ટી-20 વર્લ્ડકપમાંથી હટી ગયું: હવે તેના સ્થાને આ ટીમની થઈ શકે છે એન્ટ્રી
મહાપાલિકા દ્વારા કોર્પોરેટરને લેખિતમાં એવો જવાબ આપવામાં આવ્યો કે મહાપાલિકાના કર્મચારી ઉપર હુમલો થયો હતો તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે અને ઘટના બાબતે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હવે મહાપાલિકાની તપાસ ક્યારે પૂર્ણ થશે અને શું તેમાં પેટા કોન્ટ્રાક્ટર દોષિત ઠરશે કે કેમ તે પણ સવાલ માંગી લેનારી વાત છે ત્યારે ફડાકો ખાનાર કર્મચારીએ અત્યારે કંઈક કાર્યવાહી થશે તેવી આશા રાખીને જ બેસી રહેવું પડશે! હાલ આ મામલો તારીખ પે તારીખ જેવો બન્યો છે.
