રાજકોટમાં અહીંથી મોદી નીકળવાના છે- મોદી અહીંથી નથી નીકળવાના! આ બે તસવીર રાજકોટની બે’સુરત’નું કરી રહી વર્ણન
ઉપરોક્ત બે તસવીર રાજકોટની બે`સુરત’નું વર્ણન કરી રહી છે ! એક બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11 જાન્યુઆરીએ રાજકોટ આવી રહ્યા છે અને તેમનો રોડ-શો જૂના એરપોર્ટથી થઈ આમ્રપાલી અન્ડરબ્રિજ અને ત્યાંથી રૈયા ચોકડી થઈને માધાપર ચોકડી સુધી પસાર થવાના છે જેના કારણે મહાપાલિકા તંત્ર દ્વારા આ રોડને અરીસા જેવો ચોખ્ખા-ચણાંક કરી દેવામાં આવ્યો છે.

આંખ અંજાય જાય તે પ્રકારે બ્રિજની દિવાલો તેમજ આસપાસના ભાગને રંગરોગાન કરી દેવામાં આવ્યું છે અને રાઉન્ડ ધ ક્લોક બ્રિજના રસ્તાને પાણીથી ધોવામાં આવી રહ્યો છે અને સાવરણાથી સાફ કરવામાં આવી રહ્યો છે. આ બ્રિજ કેટલો ચોખ્ખો જોવા મળી રહ્યો છે તે પ્રથમ તસવીરમાં દૃશ્યમાન થઈ રહ્યું છે.

જ્યારે બીજી તસવીર લીમડા ચોકની છે જ્યાંથી મોદી પસાર થવાના ન હોવાને કારણે તેની હાલત કેટલી ખરાબ છે તેના પરથી કલ્પના કરવી પડે. અહીં ગટરની લાઈન તૂટી ગઈ હોવાથી દૂર્ગંધયુક્ત પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે અને સિગ્નલ ઉપર વાહનચાલકોએ ગંદા પાણીમાં પગ રાખીને ઉભું રહેવું પડે છે આમ છતાં મહાપાલિકાનું રેઢિયાળ તંત્ર આ મુશ્કેલીથી અજાણ છે !


