માતા-પિતાને વૃધ્ધાશ્રમમાં મુકનારાઓ પાસેથી એક રૂપીયાનું ફંડ ન લો, સ્ટેજ પર ન બેસાડો! CM, DYCMએ પાટીદાર સમાજને સંબોધન, શીખ સાથે કરી ટકોર
રવિવારે અમદાવાદના નિકોલ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું વિશાળ સંમેલન મળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ કૌશિક વેકરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ સાથે મારે ખૂબ જ ઘરોબો છે. અમદાવાદ મહાપાલિકામાં હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કાર્યરત હતો ત્યારે મોટાભાગે જે કામ કરવાના આવ્યા તે આ પૂર્વ વિસ્તારના જ હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધનમાં જણાવ્યું કે પાટીદાર સમાજના જે દીકરા-દીકરીઓએ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મુક્યા હોય તેમની પાસેથી સમાજે એક રૂપિયાનું દાન ન લેવું જોઈએ અને તેમને સ્ટેજ ઉપર પણ બેસાડવામાં નહીં આવે તેવો નિર્ણય લેવો જોઈએ. સંમેલનને સંબોધન કરતા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે પાટીદાર સમાજના દીકરા-દીકરી સોશિયલ મીડિયા ઉપર શું પ્રવૃત્તિ કરે છે તેના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
સોશિયલ મીડિયાના કારણે આડાઅવળા રસ્તે ન ચાલ્યા જાય તેનું ધ્યાન માતા-પિતા અને સમાજે રાખવું પડશે. જ્યારે ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ જણાવ્યું કે સમાજના ઉત્થાન માટે તેમજ આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારના સંતાનને ભણાવવા માટે 200 દાતાના મળી 100 કરોડ રૂપિયા ભેગા થશે તેવો અમને અંદાજ છે.
આ ઉપરાંત ગામડેથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવતા પાટીદાર સમાજના દીકરા-દીકરીઓને રહેવા માટે વ્યવસ્થા પણ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. પાટીદાર સમાજના કેન્દ્રીયમંત્રી માંડવિયા તેમજ રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
