રાજકોટના જંગલેશ્વરમાં બુલડોઝર આવે એટલે રસ્તા પર ઉતરી જજોઃ બિલ્ડરને વેચવા માટે જ આ જમીન ખુલ્લી કરાવાઇ રહી હોવાના મેવાણીના શાબ્દિક પ્રહારો
રાજકોટમાં અત્યંત સંવેદનશીલ બની ગયેલો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો હોય તે પ્રકારે કોંગ્રેસે તેમાં ઝંપલાવ્યું છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજકોટ આવીને ડિમોલિશન ન કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યા બાદ હુડકો પોલીસ ચોકી નજીક આયોજિત જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે જંગલેશ્વરમાં ડિમોલિશન કરવા માટે બુલડોઝર આવે એટલે હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવશે તો જ બુલડોઝર પાછા ફરશે.
કોંગ્રેસ આવી એટલે ડિમોલિશન નહીં થાય એવું નથી. લોકો પોતાના બાવડાની તાકાત બતાવશે તો જ આ બુલડોઝરને બ્રેક લાગી શકશે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યુંકે વોર્ડ નં.16 કે જેમાં જંગલેશ્વર સહિતના વિસ્તારો સામેલ છે ત્યાંના 6000 પરિવાર પૈકી 1300થી 1400 પરિવારને ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે. આ ટાઉન પ્લાનિંગ સ્કીમ પ્રારંભીક તબક્કે તે જમીન પર દબાણ દેખાડવામાં આવ્યું હતું. અહીં 40થી 50 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી તંત્ર શું કરી રહ્યું હતું ? સરકાર દ્વારા આ જમીન પર શું કરવામાં આવનાર છે તેની સ્પષ્ટતા કર્યા વગર જ નોટિસ આપી દેવામાં આવી છે.
સરકાર પીપીપી યોજના જેવા રૂપકડા નામ સાથે લોકોના કાયદેસર મકાનો પાડી બિલ્ડરોને ફાળવી દઈને ભ્રષ્ટાચાર આચરી રહી છે. આ જમીન ઉપર 35000 હજાર લોકો વસી રહ્યા છે. રિવર ફ્રન્ટ જેવા નામથી અન્ય લોકોને વિકાસની વાત સમજાવી ભાજપ સરકાર તંત્રનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા ઈચ્છે છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરને એમ પણ જણાવાયું કે તમારી ફરજ લોકહિત માટે કામ કરવાની છે.સરકાર તમારી બદલી સિવાય બીજુ કાંઈ કરી શકે તેમ નથી.
કોંગ્રેસ આયોજિત સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બાદ સોરઠિયા વાડી સર્કલ સુધી નોટિસના વિરોધમાં રેલી પણ નીકળી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
