રાજકોટમાં આજી-1, ન્યારી-1 ડેમનું 15 જાન્યુ.એ તળિયું દેખાઈ જશે, નર્મદાના નીર ઠાલવવા કોર્પોરેશનની માંગ
રાજકોટ મહાપાલિકા દ્વારા હાલ શહેરમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા પાણી સંગ્રહ કરવા કોઈ નવો જળસ્ત્રોત ઉભો કરવામાં આવ્યો ન હોવાથી સરકાર પાસેથી વેચાતું નર્મદા નીર લઈ તેનું વિતરણ કરાઈ રહ્યું છે. બીજી બાજુ આગામી વર્ષે એપ્રિલ અને મે મહિનામાં નર્મદા ડેમમાંથી સૌરાષ્ટ્રને પાણી સપ્લાય કરતી નહેરનું રિપેરિંગ કરવામાં આવનાર હોવાને કારણે પાણી સપ્લાય બંધ કરાશે જેથી આ કાર્યવાહી થાય તે પહેલાં જ 1 જાન્યુઆરીથી લઈ વરસાદ ન પડે ત્યાં સુધીનું પાણી મંગાવી લેવા પત્ર લખવામાં આવ્યો છે. બીજી બાજુ શહેરને પાણી પૂરું પાડતાં આજી-1 અને ન્યારી-1 ડેમનું તળિયુ 15 જાન્યુઆરીએ જ દેખાઈ જનાર હોવાનું પત્રમાં જણાવાયું છે.
તંત્ર દ્વારા સૌની યોજના વિભાગને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે આજી-1 ડેમમાં અત્યારે 862.56 એમસીએફટી પાણી છે જેમાંથી દૈનિક 145 એમએલડી પાણી ઉપાડી વિતરણ કરવામાં આવે છે. આ જ પ્રમાણે ન્યારી-1 ડેમમાં 995 એમસીએફટી પાણી છે જેમાંથી 225 એમએલડી દૈનિક પાણી ઉપાડી વિતરણ કરાઈ છે. આ પ્રમાણે બન્ને ડેમમાં 15-1-2026 સુધી ચાલે તેટલુ જ પાણી ઉપલબ્ધ છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર શાખા નહેરને રિપેરિંગના કારણોસર બંધ કરવાની હોવાથી પૂર્વ આયોજનના ભાગરૂપે પાણીની જરૂરિયાત મુજબ સંગ્રહ વ્યવસ્થા કરવા પણ જાણ કરવામાં આવી છે. જ્યાં સુધી નહેર રિપેર ન થાય ત્યાં સુધી આજી તેમજ ન્યારી ડેમમાંથી મહત્તમ પાણીનો ઉપાડ કરવો જરૂરી હોવાને લીધે દૈનિક વધારાના 550 એમસીએફટી પાણીની જરૂરિયાત રહેશે.
આ પણ વાંચો :રાજકોટમાં હજુ 9883 બાંધકામ ગેરકાયદે: બાંધકામ કાયદેસર કરવા સરકારે પાંચમી વખત મુદતમાં કર્યો વધારો
એકંદરે 2026ના ચોમાસાના વરસાદ પહેલાં આજી-1 અને ન્યારી-1 ડેમમાં 31-7-2026 અથવા નવું પાણી ન આવે ત્યાં સુધી દૈનિક 20 મિનિટ પાણી પૂરું પાડવા સૌની યોજના મારફત આજી-1 તેમજ ન્યારી-1 ડેમમાં તા.1-1-2026થી તબક્કાવાર 3150 એમસીએફટી પાણીની જરૂરિયાત છે.
