સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ; ધમાલ બોલશે
સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે અદાણી અને મણિપુર મુદ્દે ચર્ચાની માંગ કરી: વકફ સુધારા સહિત 16 બિલ સૂચિબધ્ધ થયા છે: વિપક્ષ અને સરકાર વચ્ચે ટક્કરના એંધાણ
સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. સત્ર પહેલા સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં કોંગ્રેસે અદાણી અને મણિપુર મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ કરી હતી. આ સિવાય વિપક્ષી દળોએ ઉત્તર ભારતમાં પ્રદૂષણ અને રેલવે અકસ્માતો પર પણ ચર્ચાની માંગ કરી હતી. સત્રનો આજથી પ્રારંભ થયો છે. જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. સરકાર અને વિપક્ષ વચ્ચે ટક્કર થવાના એંધાણ છે. જો કે મહારાષ્ટ્રમાં જીતને પગલે એનડીએ જોરમાં છે.
કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે તેમની પાર્ટીએ સરકારને અદાણી જૂથ સામેના લાંચના આરોપો પર સંસદમાં ચર્ચા કરવાની મંજૂરી આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ઈચ્છે છે કે સંસદની બેઠકમાં આ મુદ્દો સૌથી પહેલા ઉઠાવવામાં આવે. રાજ્યસભાના સભ્ય તિવારીએ જણાવ્યું હતું કે આ દેશના આર્થિક અને સુરક્ષા હિતોનો ગંભીર મુદ્દો છે કારણ કે કંપનીએ તેના સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ માટે અનુકૂળ સોદા મેળવવા માટે રાજકારણીઓ અને અમલદારોને કથિત રીતે રૂ. 2,300 કરોડથી વધુની લાંચની ચૂકવણી કરી હતી.
સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. વકફ સુધારા બિલ સહિત 16 બિલ આ સત્ર માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને ગૌરવ ગોગોઈ, ટી શિવા, હરસિમરત કૌર બાદલ અને અનુપ્રિયા પટેલે હાજરી આપી હતી.
વકફ (સુધારા) બિલ પણ સૂચિબદ્ધ છે
પેન્ડિંગ બિલોમાં વક્ફ (સુધારા) બિલનો પણ સમાવેશ થાય છે જે લોકસભામાં તેનો અહેવાલ સબમિટ કર્યા પછી બંને ગૃહોની સંયુક્ત સમિતિ દ્વારા વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ છે. સમિતિને શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે તેનો અહેવાલ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.