બંગાળમાં આ શું થઈ રહ્યું છે ? શું બની ફરી 4 ઘટનાઓ ? જુઓ
પશ્ચિમ બંગાળમ પુરુષો શા માટે વરુ બની ગયા છે તે સમજાતું નથી. અહીં મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મ તથા છેડછાડના બનાવો રોકાવાનું નામ જ લેતા નથી અને મહિલાઓ માટે જીવન જોખમરૂપ બની રહ્યું છે. રવિવારે ફરી રાજ્યના અલગ અલગ શહેરોમાં દુષ્કર્મની 3 ઘટનાઓ અને એક શારીરિક અડપલાના બનાવો એક જ દિવસે બન્યા હતા. મમતા સરકાર સાવ ફેલ થઈ રહેલી દેખાય છે.
આ ચાર કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ ફરી એકવાર પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે પોલીસે કહ્યું છે કે તેઓ આ તમામ કેસમાં કાર્યવાહી કરશે. ચાલો જાણીએ ક્યાં, શું થયું અને શા માટે મમતા બેનર્જી ફરી સવાલોથી ઘેરાઈ ગયા છે.
- બીરભુમ
અહીંના લાંબાબજાર હેલ્થ સેન્ટરમાં એક નર્સની છેડતીનો મામલો સામે આવ્યો હતો. એવો આરોપ છે કે શેખ અબ્બાસુદ્દીન નામના વ્યક્તિએ તેની નાઈટ ડ્યૂટી દરમિયાન નર્સના પ્રાઈવેટ પાર્ટને જબરદસ્તીથી સ્પર્શ કર્યો હતો. - નાદિયા
નદિયા શહેરના કૃષ્ણગંજના ભજનઘાટમાં કિશોરી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં પીડિતાનું કહેવું છે કે જ્યારે તે સામાન લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પાડોશી તેને ગાર્ડનમાં ખેંચી ગયો હતો, તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને ધમકી આપી હતી. - મધ્યગ્રામ
મધ્યગ્રામમાં ટીએમસીના એક પંચાયત સભ્ય પર બીજા વર્ગમાં ભણતી સગીર સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં તનાવનો માહોલ હતો. લોકો હોબાળો મચાવી રહ્યા હતા અને પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. - હાવડા સદર
શનિવારે રાત્રે હાવડા સદર હોસ્પિટલના સીટી સ્કેનર રૂમમાં એક યુવતીના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ પણ ભારે દેકારો બોલી ગયો હતો અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
જોધપુરમાં 12 મા ધોરણની સ્ટુડન્ટ સાથે સામૂહિક દુષ્કર્મ
છેલ્લા 20 દિવસમાં સામૂહિક દુષ્કર્મની 5 ઘટનાઓ બની
રાજસ્થાનના જોધપુરમાં 12 મા ધોરણની 17 વર્ષની કન્યા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કન્યાને પહેલા બે યુવકો ફોસલાવીને સુનસાન જગ્યાએ એક રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યાં હાજર રહેલા અન્ય યુવકોએ પણ શારીરિક અડપલાં કર્યા હતા. આ બારામાં પોલીસે 2 યુવકોની ધરપકડ કરી હતી અને અન્ય યુવકોની તલાશ કરી રહી છે. વિકાસ સિંહ રાજપૂત અને વિક્રમ ખીલેરી નામના બે બદમાશો કન્યાને બાઇક પર બેસાડી લઈ ગયા હતા.
લખનૌમાં કન્યાનો મૃતદેહ હોસ્ટેલમાંથી મળ્યો
હત્યા કે આત્મહત્યા ? આઇપીએસની સુપુત્રી છે
એ જ રીતે ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં આવેલી લો યુનિવર્સિટીની હૉસ્ટેલના એક રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી હતી. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે બારામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ યુવતી એક આઇપીએસ અધિકારીની પુત્રી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ઘટના અંગે પિતાને જાણ કરી હતી. હૉસ્ટેલના અન્ય સ્ટુડન્ટની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. આ બનાવ અત્યંત રહસ્યમય બની રહ્યો છે.