ચેન્નાઈમાં એરપોર્ટ પર ફ્લાઇટ સાથે કેવી ઘટના બની ? વાંચો
છેલ્લા થોડા સમયથી વિમાનો સાથે અપ્રિય ઘટનાઓ બની રહી છે અને તેમાં વધારો થયો હતો. તમિલનાડુના ચેન્નઈમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ટેક ઓફ કરે તે પહેલાં જ રન વે પર ટાયર ફાટી ગયું હતું જેના લીધે 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને બધાનો ચમત્કારિક બચાવ થયો હતો.
આ સમયે બધાને વિમાનમાંથી સુરક્ષિત ઉતારી લેવાયા હતા. એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની માહિતી આપતાં કહ્યું કે વિમાનનું પાછળનું ટાયર તે સમય ફાટ્યું હતું જ્યારે તે મલેશિયાની રાજધાની માટે ઉડાન ભરી રહ્યું હતું.
આ ઘટના બાદ તમામ મુસાફરો અટવાઈ ગયા હતા અને તેમને શહેરની નજીકની હોટેલમાં રોકાણ અપાયું હતું. અધિકારીઓએ કહ્યું કે આશા છે કે આ ફ્લાઈટ ફરી આગળની યાત્રા શુક્રવારે શરૂ કરશે. જોકે એ પણ સારી વાત રહી હતી કે આ ઘટનાને કારણે ફ્લાઈટોનું સંચાલન ખોરવાયું નહોતું.