ફરી અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત વિશે શું કહી દીધું ? વાંચો
ભારત તો અમેરિકાથી ફાયદો ઉઠાવે છે, તેને મદદ શા માટે કરીએ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ રોજ ભારત વિશે નકારાત્મક નિવેદન આપી રહ્યા છે; ભારત અમેરિકાની ચીજો પર અતિ ભારે ટેરિફ નાખે છે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા ભારતને આપવામાં આવેલા ભંડોળ મોટું નિવેદન આપ્યું છે.તેમણે દાવો કર્યો છે કે, ‘ભારતની ચૂંટણી માટે અમેરિકા તરફથી 18 મિલિયન ડોલર (અંદાજે 150 કરોડ રૂપિયા) અપાયા હતા.’ ભારત અમેરિકાનો ફાયદો ઉઠાવે છે અને તેને મદદ કરવાની કોઈ જરૂર જ નથી.
કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘અમે ચૂંટણી માટે ભારતને 18 મિલિયન ડોલર કેમ આપી રહ્યા છીએ? આપણે પોતે પેપર બેલેટ પર પાછા ફરવું જોઈએ અને ભારતને અમારી ચૂંટણીમાં મદદ કરવા દેવી જોઈએ. મતદાર ઓળખપત્ર ફરજિયાત હોવું જોઈએ. શું એ સારું નહીં હોય?’
ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારત અમેરિકા પર ભારે ટેરિફ વસૂલ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. જ્યારે આપણે કંઈક વેચવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે તેઓ 200% સુધીના ટેરિફ લાદે છે અને છતાં આપણે તેમને તેમની ચૂંટણી માટે પૈસા આપી રહ્યા છીએ.’
અમેરિકાની માહિતી ચિંતાજનક છે, તેની તપાસ થવી જોઈએ
વિદેશ મંત્રી એસ. જયશંકરે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી જે માહિતી બહાર આવી છે તે ચિંતાજનક છે. સરકાર આની તપાસ કરી રહી છે. જો આમાં કોઈ સત્ય હોય, તો દેશને એ જાણવાનો અધિકાર છે કે તેમાં કોણ કોણ સામેલ છે. અમેરિકી એઇડને ભારતમાં સારું કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ જો તેમાં કોઈ ખોટું કામ થઈ રહ્યું હોય, તો તેની તપાસ કરવાની જરૂર છે.’