દેશના અર્થતંત્ર વિષે વર્લ્ડ બેન્કે શું કહ્યું ? કેવો રિપોર્ટ આપ્યો ? જુઓ
આર્થિક મોરચે ભારત માટે મંગળવારે સારા સમાચાર આવ્યા હતા. . વિશ્વ બેંકે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસના અંદાજમાં વધારો કર્યો છે. દેશના અર્થતંત્ર પર મોટા ભાગની વિદેશી એજન્સીઓએ ભરોસો દર્શાવ્યો છે.
વિશ્વ બેંકે અગાઉ દેશની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો. જો કે, હવે વિશ્વ બેંકે તેનો અંદાજ અપડેટ કર્યો છે અને અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે.
ગયા અઠવાડિયે જાહેર કરાયેલા ડેટા અનુસાર, લોકસભા ચૂંટણી દરમિયાન સરકારી ખર્ચમાં ઘટાડો થવાને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ ધીમો પડીને 6.7 ટકા થયો હતો.
વિશ્વ બેંકનું કહેવું છે કે કૃષિ ક્ષેત્રમાં સુધારો અને ગ્રામીણ માંગમાં વધારો ભારતની અર્થવ્યવસ્થાને ટેકો આપશે. આગામી સમયમાં પણ ગ્રામ્ય વપરાશમાં વધારાની આશા છે.
વિશ્વ બેંક દ્વારા મંગળવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વૈશ્વિક સ્તરે પડકારજનક વાતાવરણ હોવા છતાં, ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ મજબૂત છે, વર્લ્ડ બેંકે ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર 7 ટકા પર મજબૂત રહેવાની આશા છે.
અહેવાલમાં જણાવાયું છે કે ઉદ્યોગમાં થોડી મંદી કૃષિમાં સુધારા દ્વારા આંશિક રીતે સરભર થશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સેવા ક્ષેત્ર મજબૂત રહેશે અને કૃષિમાં અપેક્ષિત સુધારાને કારણે ગ્રામીણ ખાનગી વપરાશમાં સુધારો થશે.