વડોદરા : ઇન્સ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતા 6 લોકો ઈજાગ્રસ્ત, બેની હાલત ગંભીર
સામાન્ય રીતે ઉનાળામાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે વડોદરામાં ચોમાસામાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં નવી કલેક્ટર કચેરી સામે આવેલી ઇન્સ્યોરન્સ ઓફિસના એસીમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો બે લોકોની હાલત ગંભીર છે. હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે ઘટનાની જાણ થતા પોલીસકાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર આ ઘટના વડોદરામાં નવી કલેક્ટર કચેરી પાસેની છે જ્યાં શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એર કંડિશનમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટને કારણે 6 લોકોને ઈજા પહોંચી હતી. આ ત્યાર બાદ તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતા જ ACP-DCP સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ઘટનાને પગલે સવાર-સવારમાં કોમ્પલેક્ષમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ થતા જ ઓફીસ અને તેની બહારના કાચ તુટી ગયા હતા.

જેના પરથી બ્લાસ્ટની તિવ્રતાનો અંદાજો લગાડી શકાય છે. દુર્ઘટનામાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ 6 ઈજાગ્રસ્તો પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં આ બંનેને હોસ્પિટલમાં ICUમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.