આજે ઘરવિહોણા 542 પરિવારોને કાયમી સરનામું મળ્યું છે : મુખ્યમંત્રી
જેને કોઈ પૂછતું નથી તેમને આપણા વડાપ્રધાન મોદી પૂજે છે……
રાજકોટમાં વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને રહેણાક માટે પ્લોટની સનદો અપાઈ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બુધવારે રાજકોટ જિલ્લાના છ તાલુકાના 542 જેટલા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને કાયમી સરનામું મળી રહે તેવા ઉદેશ્ય સાથે રહેણાક માટે પ્લોટની સનદ ફાળવવામાં આવી હતી. શહેરના હેમુગઢવી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન મોદીએ છેવાડાના માનવીને મુખ્યપ્રવાહમાં જોડવા માટે ભગીરથ પ્રયાસ શરૂ કર્યા છે જે અન્વયે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને આજે કાયમી સરનામું મળ્યું છે. આ તકે તેઓએ લાભાર્થીઓ પાસેથી સ્વછતા, એક પેડ માં કે નામ અને વરસાદી પાણીને બચાવવા માટેનું વચન માંગી સરકારની યોજનામાં જોડાવા આહવાન કરી બાળકોને ભણાવવા માટે અનુરોધ કર્યો હતો.
રાજકોટની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શહેરના હેમુ ગઢવી નાટ્ય ગૃહ ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના542 પરિવારોને સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ઘર વિહોણા લોકોને કાયમી સરનામું આપવાનો આ અવસર છે. આ પ્રસંગે તેમને ઉમેર્યું હતું કે, વિશ્વનેતા વડાપ્રધાન મોદી વંચિતોની વેદના જાણે છે અને એટલા માટે જ કે જેમને કોઈ પૂછતું નથી તેવા લોકોને વડાપ્રધાન પૂજે છે તેમ કહેતા જણાવ્યું હતું કે, ધરતીનો છેડો એટલે ઘર, પણ આ ઘરબાર વગરના લોકો માટે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિ હોય તેમની ચિંતા કરી આજે રાજકોટ જિલ્લાના છ તાલુકાના 542 પરિવારોના 2100 સભ્યોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં આવ્યું છે.
વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હવે તો સરકારે ઘર બનાવવા માટે સહાયમાં પણ 50 હજારની વૃદ્ધિ કરી છે જેથી અગાઉ મળતા 1.20 લાખને બદલે ઘર વિહોણા લોકોને 1.70 લાખની સહાય ઉપરાંત ટોયલેટ સહિતની જુદી-જુદી યોજના અન્વયે કુલ 2.25 લાખ જેટલી સહાય મળવાથી સરસ ઘર બનાવી શકાશે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, હજુ પણ કોઈ લાભાર્થી આ યોજનામાં ઘરના ઘરથી વંચિત રહેશે તો સરકાર તેમની ચિંતા કરી તેમને પણ ઘરના ઘરનો આશરો અપાવશે. આ તકે રાજકોટ જિલ્લા કલેકટરે પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, વિચરતી અને વિમુક્ત જાતિના લાભાર્થીઓને તાલીમ આપી નોકરી માટે સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે જેમાં હાલમાં જ 60 લાભાર્થીઓને નિમણુંક પત્ર પણ આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
બાળક તો રડે… બાળક માટે તો આપણે બાધા રાખીએ છીએ : ભુપેન્દ્ર પટેલ
રાજકોટના હેમુગઢવી હોલ ખાતે મુખ્યમંત્રીનું પ્રવચન શરૂ થતા જ એક નાનું બાળક રડવા લાગતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બાળક તો રડે… એમાં કશો વાંધો નહીં બાળક માટે તો આપણે કેટકેટલી બાધાઓ રાખતા હોઈએ છીએ.
તમારા બાળકોને ભણાવજો : મુખ્યમંત્રી
રાજકોટ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના 542 પરિવારોને પ્લોટની સનદ એનાયત કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તમારી એક પેઢી ભલે ગઈ પણ બીજી પેઢીને જવા ન દેતા તમારા બાળકોને ભણાવજો, આજે ભણતર વગર બધું જ અધૂરું છે, માટે તમે ભલે વાજિંત્ર વગાડવા જાવ કે બીજા કામે ભલે જાવ પણ તમારા બાળકોને ભણવા જરૂરથી મોકલજો કહી વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારના એક બાળકે એમ.એ.સુધીનો અભ્યાસ કર્યો હોય તેના વખાણ કરી અન્ય બાળકોને પણ આ બાળકની જેમ ભણવા માટે સલાહ આપી હતી.
સરકાર તમારી સાથે છે તમે સરકાર સાથે રહેજો : મુખ્યમંત્રી
રાજ્યના મુખ્યમંત્રીએ રહેણાંક માટેના પ્લોટની સનદ વિતરણ બાદ વિચરતી અને વિમુક્ત જાતિના લાભાર્થીઓને જણાવ્યું હતું કે, સરકાર તમારી સાથે છે ત્યારે તમારે પણ સરકારની સાથે રહેવાનું છે, આજે હું તમારી પાસેથી સરકાર સાથે રહેવાના ત્રણ વચન માંગુ છું તેમ કહી જણાવ્યું હતું કે, તમારા ઘર બનાવો ત્યારે ઘર પાસે એક વૃક્ષ વાવી સરકારની એક પેડ માં કે નામ યોજના, વરસાદી પાણીને બચાવવા માટે વડાપ્રધાનના કેચ ધ રેઇન વોટર પ્રોજેક્ટ તેમજ જ્યાં પણ હરોફરો ત્યાં ગંદકી નહીં કરવા વચન માંગ્યું હતું. જો કે, વડાપ્રધાનના મેદસ્વીતા ઘટાડવાનો સંદેશ અંગે મુખ્યમંત્રીએ હાસ્ય સાથે કહ્યું હતું કે, તમે હરો છો ફરો છો એટલે આ સંદેશ તમને લાગુ નહીં પડે, ચરબી અમે ઉતારીશું તેમ કહી મંચસ્થ મહાનુભાવો તરફ ઈશારો કર્યો હતો.