ક્વાડ દેશના વડાઓએ કોને સુધરી જવાની ચેતવણી આપી ? જુઓ
ભારત વિરુધ્ધ હમેશા કાવતરા રચનારા ચીન અને પાકિસ્તાનને ક્વાડ દેશના વડાઓએ એક સૂરમાં ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે હવે સુધરી જાઓ તો તમારા હિતમાં સારું છે. ક્વાડના સંયુક્ત નિવેદનમાં 26/11 ના મુંબઈ પરના હુમલા અને પઠાણકોટના આતંકી હુમલાની નિંદા કરાઇ હતી. આતંકવાદ સામે પ્રતિકારના મુદ્દે વિસ્તારથી ક્વાડ શિખર બેઠકમાં ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ અમેરિકાના ડેલવેરમાં યોજાયેલી સમિટમાં કહ્યું હતું કે વિશ્વ આખું અત્યારે ટેન્શનમાં છે અને સંઘર્ષોથી ઘેરાયેલલુ છે ત્યારે સૌએ સાથે ચાલવાનો સમય છે. ક્વાડ કોઈ પણ દેશની વિરુધ્ધ નથી.
આજે વડાપ્રધાન મોદી યુએન મહાસભામાં સંબોધન કરવાના છે. એમણે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. એમના માનમાં ભવ્ય કાર્યક્રમ મોદી ઍન્ડ યુએસ નામે યોજાયું હતું જેમાં શાહી સ્વાગત થયું હતું.
ક્વાડ દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા)ના નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને ગાઝામાં માનવતાવાદી સંકટ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. . ચારેય દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાને જાળવી રાખવા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અનુસાર કામ કરવા પર ભાર મૂક્યો હતો. ઘોષણામાં ચાર દેશો વતી કહેવામાં આવ્યું છે કે અમે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો પર અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ.
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે તમામ રાજ્યોએ કોઈપણ રાજ્યની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ અથવા રાજકીય સ્વતંત્રતા વિરુદ્ધ બળનો ઉપયોગ અથવા ધમકી આપવાથી દૂર રહેવું જોઈએ. ચાર દેશોએ વૈશ્વિક ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પર યુક્રેનના યુદ્ધની નકારાત્મક અસરની પણ નોંધ લીધી. આ યુદ્ધ ખાસ કરીને વિકાસશીલ અને ઓછા વિકસિત દેશોને અસર કરી રહ્યું છે.
બંધકોને મુક્ત કરવા પર ભાર
ક્વાડ રાષ્ટ્રોએ કહ્યું કે તેઓ પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં ઊંડો રસ ધરાવે છે. તેમણે 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલાની નિંદા કરી અને એમ પણ કહ્યું કે ગાઝામાં મોટાપાયે નાગરિકોના જાન અને માનવતાવાદી સંકટને સ્વીકારવામાં આવશે નહીં. આ સાથે તેમણે હમાસ દ્વારા બંધક બનાવાયેલા તમામ લોકોની મુક્તિ પર પણ ભાર મૂક્યો હતો.