બેન્કિંગ કાયદામાં મોટાપાયે ફેરફારો થશે
કેન્દ્રીય કેબિનેટે બેન્કિંગ લો સુધારા બિલને મંજૂરી આપી: એફડી અને બચત ખાતાઓમાં ચાર નોમિની નિમવાની છૂટ મળશે: સહકારી બેન્કોમાં ચેરમેન અને ડાયરેક્ટરોની નિમણૂક અંગેના નિયમો પણ ફરશે
કેન્દ્ર સરકાર જનહિતને અનુલક્ષીને તેમજ જનતાને વધુ સુવિધાપૂર્ણ વહીવટ અને યોજનાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના મુજબ હવે બેન્કિંગ સેક્ટરમાં પણ મોટાપાયે ફેરફારો તોળાઇ રહ્યા છે. શનિવારે કેન્દ્રીય કેબિનેટે બેન્કિંગ લો એમેન્ડમેન્ટ બિલ-૨૦૨૪ને મંજૂરી આપી દીધી હતી અને આ સાથે જ આગામી દિવસોમાં બેન્કિંગ સેક્ટરમાં મોટાપાયે ફેરફારો થવાના છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ માટેનો ખરડો આવતા સપ્તાહે સંસદમાં રજૂ થશે. બેન્કિંગ નિયમોમાં મોટાપાયે સુધારા-વધારા અંગેના સંકેતો પણ બહાર આવ્યા છે જે મુજબ બેન્કોમાં બચત અને એફડી ખાતાઓમાં ચાર નોમિની નિમવાની છૂટ મળશે. એ જ રીતે સહકારી બેન્કોમાં પણ સુધારા-વધારા થશે અને ચેરમેન તેમજ ફૂલટાઇમ સિવાયના ડાયરેક્ટરોની નિમણૂક ૧૦ વર્ષ માટે કરવાનો પ્રસ્તાવ આવશે.
કેન્દ્રીય કેબિનેટે શનિવારે બેન્કિંગ કાયદામાં ૬ મહત્ત્વના સુધારાઓને મંજૂરી આપી હતી. એચયુએફ ખાતામાંથી ઉપાડ તેમજ દાવા વિનાના ડિવિડન્ડ બોન્ડ સહિતના નિયમમાં મોટાપાયે ફેરફાર થવાના છે અને સૌથી મહત્ત્વની બાબત એ હશે કે બેન્કો તથા નાણાકીય સંસ્થાઓમાં દાવા વિનાના નાણાંની રકમ રૂા.૭૮ હજાર કરોડે પહોંચતાં સરકારે નિયમોમાં સુધારા સૂચવ્યા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ થોડા સમય પહેલા બેન્કિંગ લોમાં મોટાપાયે સુધારા-વધારા કરવાનો સંકેત આપ્યો હતો. ફાઇનાન્સ બિલમાં પણ તેનો સંકેત આપવામાં આવ્યો છે. લોકોને વધુ સુખાકારી અને સરળતા તેમજ વહીવટને પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે બેન્કિંગ કાયદાઓમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઇ છે અને કેબિનેટે તેનો સ્વીકાર પણ કર્યો છે.