SITની ચોખવટ : કોઈ શંકા ન રાખે, કોઈને છોડાશે નહી
SITની ચોખવટ : અગ્નિકાંડમાં તપાસ રાઈટ ટ્રેક ઉપર છે, IAS- IPS અને પદાધિકારીઓની પણ પૂછપરછ થશે
સીટના વડા સુભાષ ત્રિવેદીએ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પત્રકારોને આપી માહિતી -ડીજીપી પોતે સુપરવિઝન કરી રહ્યા છે
ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટેની પૂરેપૂરી સિસ્ટમ બનાવવા ગૃહમંત્રીની સુચના
રાજકોટના અગ્નિકાંડની તપાસ કરી રહેલી સીટનાં વડા સુભાષ ત્રિવેદીએ ભારપૂર્વક કહ્યું છે કે, રાજકોટની આ ઘટના ઘણી ગંભીર છે અને જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ શંકા ન રાખે, અમે તપાસ દરમિયાન તમામ મુદ્દા અને પુરાવા એકત્ર કરીએ છીએ અને કોઈ પણ એટલે કોઈ પણ વ્યક્તિ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીજીવીસીએલ, રાજકોટ ફાયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ પોલીસમાં તમામ સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે SIT રિપોર્ટ પહેલા ગુજરાત સરકારે સસ્પેન્ડ કરેલા પોલીસ, મનપા અને અન્ય વિભાગના અધિકારીઓ સામે ગુનો નોંધાશે કે નહીં તેવા પ્રશ્નના ઉત્તરમાં સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ નીતિવિષયક બાબત છે.
આજે SITના વડા સાથે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તપાસ ક્યાં સુધી પહોંચી સહિતની વિગતો મુખ્યમંત્રીને જણાવવામાં આવી હતી અને મુખ્યમંત્રી તરફથી કેટલાક સુચનો આપવામાં આવ્યા હતા. સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છેકે, જેટલો આક્રોશ અને વેદના તમને છે એટલીજ અમને પણ છે, સંપૂર્ણ તટસ્થ તપાસ થશે. અધિકારી કે પદાધિકારી તમામની પૂછપરછ કરાશે. આગામી બે દિવસમાં આઇએસ અને આઇપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જે મળ્યું છે તેનો અહેવાલ સુપ્રત કરી દીધો છે. તપાસના બીજા તબક્કામાં રાજકોટ કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, પીજીવીસીએલ કોઇપણ માણસ આમા જવાબદાર હોય તો તેને શોધી તેના વિરુદ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં આ પ્રકારનો કોઇપણ બનાવ ન બને એ માટેની પૂરેપૂરી સિસ્ટમ બનવી જોઇએ. તંત્રમાં જવાબદેહી કોઇપણ રીતે આપણે સ્થાપિત કરવાની છે. આમા જે કોઇ લેવલના અધિકારી કે પદાધિકારી કોઇપણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે.પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ કરવામાં આવશે. રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે. એટલે આમા તપાસ ઘણી સમય માગી લે તેમ છે.
તેમણે ઉમેર્યું કે, તપાસમાં ક્રાઇમ સંદર્ભે ડીજીપી પોતે પણ સુપરવિઝન કરી રહ્યા છે. એટલે ક્રાઇમનું પણ પ્રોપર સુપરવિઝન થશે. કોઈએ એ સમજવાની જરૂર નથી કે કોઇને છોડી દેવામાં આવશે.
કાટમાળ હટાવવા અંગે તેમણે જણાવ્યું કે, ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, જે મૃતદેહો છે, તેમના અવશેષો છે તેને શોધવાનું કામ મહત્વનું છે એ માટે આ તોડીને નાશ કરવાનો કોઇ આશય ન હતો. અંદર ગુમ થઇ ગયેલા લોકોના અવશેષો છે કે કેમ તેના આધારે આપણે ડીએનએ લઇ શકીએ. ડીએનએના આધારે એફએસએલ દ્વારા તેની તપાસ કરી જે ગુમ છે તેમના પરિવારજનોને એક અહેસાસ આપી શકીએ. એક સત્યની માહિતી આપી શકીએ. એ આશયથી થયેલ છે.
સસ્પેન્ડેડ અધિકારી સામે ગુનો નોંધવો કે નહી એ તપાસનો વિષય છે એ આધારે કાર્યવાહી થશે. 30 લિટરથી વધારે જથ્થો હોય તો મંજૂરી લેવાની હોય છે એટલે આ કિસ્સામાં રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના આધારે પેટ્રોલિયમ એક્ટનો ઉમેરો પણ કરવામાં આવશે.
મૃતદેહો જોઇને સીટના અધિકારીઓ પણ કાંપી ઉઠ્યા હતા
સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ ઘટના કેટલી ભયંકર હતી તે ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી ખ્યાલ આવતો હતો. મૃતદેહોની હાલત જોઇને તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. સીટના અન્ય અધિકારીઓની પણ એ જ હાલત હતી. તમે ખાલી વિચાર કરો કે ૩૦૦૦ ડીગ્રી તાપમાનમાં માનવશરીરની કેવી હાલત થઇ હશે. અમે માનવ શરીરના એક એક ટુકડા શોધવા માટે ઘટનાસ્થળે બુલડોઝર ચલાવ્યું હતું અને તપાસ કરી હતી. અમારી અંદર પણ એક આક્રોશ અને વેદના છે.