‘ INDIA’ ના અધ્યક્ષપદે કોંગ્રેસના પ્રમુખ પદે કોની વરણી કરાઈ વાંચો
નીતીશ કુમારે સંયોજકનું પદ હાલ પૂરતું ઠુકરાવ્યું
વિપક્ષોના ગઠબંધન ઇન્ડિયાના નેતૃત્વ અંગે લાંબા સમયથી ચાલતી ખેંચતાણને અંતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષ પદે વરણી કરવામાં આવી હતી. વિપક્ષોના આ મોરચાના સંયોજક તરીકે નીતિશકુમારની વરણી કરવામાં આવી હતી પરંતુ તેમણે બધા પક્ષો સંમત થાય તો જ એ પદ સ્વીકારવાનું જણાવી હાલ પૂરતી એ દરખાસ્ત ઠુકરાવી દીધી હતી.
શનિવારે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોની મળેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે એ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અખિલેશ યાદવ અને ઉદ્ધવ ઠાકરેએ ભાગ ન્હોતો લીધો.
નોંધનીય છે કે વિપક્ષોના આ મોરચાના ગઠનમાં નીતિશકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી અને એક સમયે તેઓ આ ગઠબંધનના અધ્યક્ષ થવા માટે પણ ઉત્સુક હતા. જોકે મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે એ પદ માટે ખડગે વધારે યોગ્ય હોવાનું જણાવ્યા બાદ મામલો ટલ્લે ચડ્યો હતો. બાદમાં નીતીશકુમારે પણ પોતે એ પદ માટે રેસમાં ન હોવાની જાહેરાત કરી હતી અને હવે ખડકેની વરણી કરવામાં આવી છે.
નીતીશ કુમારને પણ મહત્વની જવાબદારી આપવાના હેતુથી સંયોજક પદની ઓફર કરવામાં આવી હતી. એ બેઠકમાં ઉપસ્થિત જનતા દળ યુનાઇટેડના નેતા સંજય ઝા ના જણાવ્યા મુજબ નીતીશ કુમારે બધા પક્ષો સંમત થાય તો જ એ પદ સ્વીકારવાની તૈયાર હોવાનું જણાવતા સંયોજક મુદે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે.
શનિવારે મળેલી આ બેઠકમાં રાહુલ ગાંધીની ભારત ન્યાય જોડો યાત્રા તથા સીટ શેરિંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ બેઠકમાં એનસીપીના વડા શરદ પવાર, તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન સહિત નવ પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સીટ શેરીંગ મુદ્દે કોકડું ગૂંચવાયું
ઇન્ડિયાના અધ્યક્ષ ની વરણીતો થઈ ગઈ પણ સાથી પક્ષો વચ્ચેના વિવાદ યથાવત છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે સાત બેઠકની માગણી કરી છે પરંતુ મમતા બેનર્જી વધીને ત્રણ બેઠક દેવા માટે તૈયાર છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને કોંગ્રેસ વચ્ચેનો ખટરાગ અટકવાનું નામ નથી લેતો. કોંગ્રેસનત્યાં માયાવતીના બહુજન સમાજ પક્ષ સાથે ગઠબંધન કરવાની પેરવી કરી રહી છે. પંજાબ અને દિલ્હીમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી બાંધછોડ કરવા તૈયાર નથી. દિલ્હીમાં ત્રણ બેઠક કોંગ્રેસને આપવાની સામે તેણે મણીપુર,ગોવા અને ગુજરાતમાં એક એક બેઠકની માગણી કરી હોવાના અહેવાલ છે. ગુજરાતમાં તો આમ આદમી પાર્ટી એ એક બેઠક માટે પોતાના ઉમેદવારના નામની ઘોષણા પણ કરી દીધી છે. બિહારમાં નીતીશકુમારે અડધો અડધ બેઠક ઉપર દાવો ઠોકી દીધો છે. આ સંજોગોમાં ગઠબંધન કેટલું સફળ થશે એ અંગે અત્યારથી સવાલો ખડા થયા છે.