રાજકોટમાં ચાંદીપૂરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ
પડધરીનો 7 વર્ષીય બાળક સંક્રમિત હોવાની શંકાએ તેનો રીપોટ પૂના મોકલાયો : બાળકની તબિયત હાલ સંપૂર્ણપણે સ્થિર
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનાં દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને અનેક બાળકોના મોત પણ થઈ રહ્યા છે.તાજેતરમાં રાજકોટમાં પણ 5 દર્દીઓનાં શંકાસ્પદ મોત થયા હતા. જેના રિપોર્ટ પણ હજુ આવ્યા નથી. ત્યારે ગઈકાલે ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. પડધરી તાલુકાનો સાત વર્ષનો બાળક સંક્રમિત હોવાની શંકાએ તેના સેમ્પલ પણ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે આ બાળકની તબિયત હાલ સંપૂર્ણપણે સ્થિર હોવાનું સિવિલના તબીબોએ જણાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ તાવ સહિતની જુદી જુદી તકલીફોથી પીડિત પડધરી તાલુકાના 7 વર્ષના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક સ્પેશિયલ વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ તેના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે હાલ આ બાળકને તબીબો દ્વારા ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.જ્યારે આ બાળક બે મહિના પહેલા જ દાહોદથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં પડધરી તેમજ મોરબી સહિતના વિસ્તારોમાંથી 5 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ દર્દીઓનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ આ પાંચેય દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું હતું. બાદ વધુ નવા પાંચ શંકાસ્પદ કેસ આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરમાં બે, મોરબીમાં એક, પડધરીના એક તેમજ એક સુરેન્દ્રનગર જિલ્લાના એક બાળકમાં ચાંદીપુરા વાયરસની અસર જણાતા તમામના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. અને તેઓને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા છે.