સંસદમાં પ્રિયંકાની બેગ પોલિટિક્સ ; સત્રના અંતિમ દિને શું થયું ? વાંચો
સંસદના શિયાળુ સત્ર દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની બેગ ચર્ચામાં રહી હતી. પ્રિયંકા સતત નવી-નવી બેગ લઈને સંસદ પહોંચી રહ્યા હતા અને કટાક્ષ સ્વરૂપે અથવા વિરોધનાં રૂપમાં દેખાવ કરી રહ્યા હતા. ક્યારેક અદાણી તો ક્યારેક બાંગ્લાદેશ લખેલી બેગના કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ શુક્રવારે પ્રિયંકા ગાંધીને એક બેગ ગિફ્ટ કરી હતી અને જોરદાર કટાક્ષ કરીને એમને હત્યાકાંડની યાદ અપાવી હતી.
ઓડિશાથી ભાજપના મહિલા સાંસદ અપરાજિતાએ પ્રિયંકા ગાંધીને બેગ આપી હતી જેના પર 1984 લખેલું છે. બેગ પર 1984ને લોહીથી રંગ્યુ હોય તેવા રંગમાં લખવામાં આવ્યું છે, જે 1984ના શીખ દંગાની યાદ અપાવે છે.
અપરાજિતાએ આ મુદ્દે વાત કરતા કહ્યું કે, પ્રિયંકા ગાંધી સંસદમાં નવા-નવા બેગ લઈને આવતા રહે છે. તો મેં વિચાર્યું કે, તેઓને એક બેગ ગિફ્ટ કરૂ તેથી મેં આ બેગ ગિફ્ટ કરી છે, જેના પર 1984 લખેલું છે. સાથે જ લોહીના છાંટા પણ છે. જે 1984ના દંગાની યાદ અપાવે છે. પ્રિયંકા ગાંધીએ આ બેગનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ કંઈ કહ્યું નથી. ફક્ત બેગ લઈને જતાં રહ્યાં હતા.