કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ થવા દેશું નહીં: વડાપ્રધાન મોદી
આતંકવાદના ભય વિના ભરપૂર મતદાન થયું: વડાપ્રધાને શ્રીનગર અને કટરામાં જંગી રેલીઓ
સંબોધી: કાશ્મીરને ત્રણ ખાનદાનોએ નકરા જખમ જ આપ્યા, અમે વિકાસ આપીએ છીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારને ગતિશીલ બનાવવા માટે ગુરૂવારે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો અને શ્રીનગર તથા કટરામાં જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું. એમણે કોંગ્રેસ સહિતના વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. એમણે એનડીએ સરકારની સુરક્ષિત અને સમૃધ્ધ કાશ્મીરની વાતમાં લોકોને વિશ્વાસ છે એમ કહીને ભરપુર મતદાન કરવા બદલ જનતાને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, પ્રથમવાર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદના ભય વગર નિર્ભિક રીતે મતદાન યોજાયું છે.
વડાપ્રધાને કોંગ્રેસ સહિતના વિપક્ષને નિશાન પર લઈને એમ કહ્યું હતું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ તથા પીડીપી જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાવવા માગે છે પણ અમે એવું ક્યારેય થવા દેશું નહીં. દુનિયાની કોઈ તાકાત કલમ-૩૭૦ને ફરી રાજ્યમાં લાવી શકશે નહીં. કોંગ્રેસની મહોબ્બતની દુકાનમાં નફરતનો સામાન વેચાઈ રહ્યો છે માટે લોકોએ સાવચેત રહેવું પડશે. આ લોકો સત્તા માટે આસ્થાને પણ દાવ પર લગાવે છે.
રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા નિવેદન અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપીને વડાપ્રધાને કહ્યું હતું કે, આ લોકો વિદેશમાં જઈને એમ બોલે છે કે દેવતા ભગવાન હોતા નથી. આમ કહીને એ લોકોએ દેવતાઓનું અપમાન કર્યું છે. ભાજપ દેશહિતને પ્રાથમિકતા આપે છે. જ્યારે કોંગ્રેસ પર નક્સલી વિચારધારાનો કબજો છે અને કોંગ્રેસનું શાહી પરિવાર સૌથી ભ્રષ્ટ છે. આ લોકોએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે એક ખાઈ બનાવી હતી. કોંગ્રેસ સહિતના કાશ્મીરના પક્ષોના એજન્ડાને પાકિસ્તાનનો ટેકો છે. મોદીએ કહ્યું કે, આજે જમ્મુ કાશ્મીરમાં ચારેકોર વિકાસ થઈ રહ્યો છે અને અનેક ટનલો બની રહી છે. યુવાનોને રોજગાર મળી રહ્યા છે. નવી સુવિધાઓ આવી રહી છે અને લોકો હવે સુરક્ષિત હોવાની અનુભૂતિ કરી રહ્યા છે અને એટલા માટે જ લોકોએ નિર્ભિક બનીને ભારે મતદાન કર્યું છે. કોંગ્રેસ સહિતના વિપક્ષથી સાવધાન રહેવાની જરૂર છે તેમ કહીને વડાપ્રધાને ભાજપના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી.
વડાપ્રધાને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં અમે હવે પાકિસ્તાનનો કે આતંકવાદનો એજન્ડા લાગુ કરવા દેશું નહીં. કાશ્મીરની ત્રણ પાર્ટીઓ એટલે કે ત્રણ ખાનદાનોએ કાશ્મીરની જનતાને નકરા જખમ જ આપ્યા છે. એમણે પોતાના ઘર ભર્યા છે અને લોકોને અન્યાય કર્યો છે.