રામનવમીએ મોદી ફરી કરશે રામલલ્લાની પૂજા
પહેલા તબક્કાના મતદાન પૂર્વે પ્રચાર સમાપ્ત થાય તે જ દિવસે વડાપ્રધાન અયોધ્યામાં દર્શને જશે
ભાજપ દ્વારા ઘડાઈ રહેલું મોટું આયોજન, હિન્દુ લહેર જાળવી રાખવા માટેના પ્રયાસો
જાન્યુઆરી માસમાં અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને દેશને રામમય બનાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રામનવમીના દિવસે ફરી અયોધ્યા જઈને રામલલ્લાની પૂજા કરશે તેવું જાણવા મળ્યું છે. આ વખતે રામનવમી ૧૭મી એપ્રિલે છે. સૌથી મહત્વનું એ છે કે, લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે છે અને ૧૭મીએ સાંજે પ્રચાર બંધ થાય એ પૂર્વે વડાપ્રધાન મંદિરમાં રામલલ્લાની પૂજા કરી શકે છે.
ભાજપ સાથે સંકળાયેલા સુત્રો અનુસાર, ૧૭મી એપ્રિલે ભાજપ દ્વારા આ કાર્યક્રમ માટે તૈયારી શરુ કરી દેવામાં આવી છે અને માત્ર અયોધ્યામાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં આવેલા રામ મંદિરોમાં રામનવમીની ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન છે.
આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે, જાન્યુઆરીમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના આયોજન દ્વારા દેશભરમાં એક પ્રકારનો ધર્મમય માહોલ ઉભો કરવામાં ભાજપ સફળ રહ્યો હતો અને તેને રાજકીય લાભ પણ મળ્યો હતો. હવે જયારે લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે અને પ્રચાર પણ જોરશોરથી શરુ થઇ ગયો છે ત્યારે ભાજપ ફરી એક વખત આવો જ માહોલ ઉભો કરીને રાજકીય લાભ મેળવવાની ગણતરી રાખી રહ્યો છે.
૧૯ એપ્રિલે દેશના ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠક ઉપર મતદાન છે અને તેમાં ઉત્તરપ્રદેશની આઠ બેઠકનો પણ સમાવેશ થાય છે. આ તબક્કાના મતદાન પૂર્વે પ્રચારનો છેલ્લો દિવસ ૧૭મી એપ્રિલ છે અને જોગાનુજોગ રામનવમી પણ ૧૭ એપ્રિલે જ છે. તેથી આ સંજોગોનો લાભ લેવા માટે ભાજપ દ્વારા મોટું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.
