મસ્જિદના લાઉડસ્પીકર પર 10 મિનિટ અઝાન ચાલે તેને ઘોંઘાટ ન કહેવાયઃ ગુજરાત હાઈકોર્ટ
ગાંધીનગરના એક ડોક્ટર દ્વારા કોર્ટમાં PIL દાખલ કરી દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકરના ઉપયોગ સામે ફરિયાદ કરી હતી
મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકવા માંગણી કરતી એક અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે લાઉડસ્પીકર પર 10 મિનિટ માટે અઝાન ચાલે તેને ધ્વનિ પ્રદૂષણ ગણી શકાય નહીં. આમ કહીને હાઈકોર્ટે મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ સામેની જાહેર હિતની અરજી રદ કરી દીધી છે.
ગાંધીનગરના એક ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા કોર્ટમાં આ PIL દાખલ કરવામાં આવી હતી જેને ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ મયીની બેન્ચે ફગાવી દીધી છે. ડો. ધર્મેન્દ્ર પ્રજાપતિની હોસ્પિટલ નજીક એક મસ્જિદ છે, જેમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને દિવસમાં પાંચ વખત અઝાન કરવામાં આવતી હોવાથી ડોક્ટરે વાંધો ઉઠાવ્યો હતો. તેમની દલીલ હતી કે લાઉડ સ્પીકરના અવાજના કારણે તેમના દર્દીઓને તકલીફ પડતી હતી.
પરંતુ કોર્ટ તેમની દલીલ સાથે સહમત નથી થઈ. હાઈકોર્ટે કહ્યું કે અઝાન 10 મિનિટની અંદર પૂરી થઈ જાય છે તેથી તેમાં લાઉડસ્પીકરનો ઉપયોગ થાય તેને ઘોંઘાટ ગણી ન શકાય. છતાં અરજકર્તા ઈચ્છે તો રાજ્ય સરકારના સત્તાવાળા સમક્ષ જઈ શકે છે.
બેન્ચે કહ્યું કે લાઉડસ્પીકર દ્વારા કોઈ માનવીનો અવાજ એટલા બધા ડેસિબલનો થઈ જાય કે તેનાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય અને લોકોના આરોગ્યને અસર થાય તે વાત માનવામાં આવતી નથી. તેથી મસ્જિદોમાં અઝાન માટે લાઉડ સ્પીકર પર પ્રતિંબંધ મૂકવાની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી નથી.