મોદી સરકારની મજૂરોને ભેટ : લઘુતમ વેતન દરમાં વધારો
દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ગુરુવારે, શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે અને મોંઘવારી ભથ્થામાં સુધારો કર્યો છે. આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારોને વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચનો સામનો કરવામાં મદદ મળશે.
સુધારેલા વેતન દરોથી એવા કામદારોને ફાયદો થશે જેઓ બાંધકામ, લોડિંગ-અનલોડિંગ, દરવાન, સફાઈ, ઘરકામ, ખાણકામ અને કૃષિ જેવા કામોમાં રોકાયેલા છે અને જેઓ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે. આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમની આવકમાં વધારો થશે, જે તેમને ફુગાવાના પડકારોનો સામનો કરવામાં રાહત આપશે.
1 ઓક્ટોબરથી મળશે વધારે પૈસા
નવા વેતન દરો 1 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. અગાઉ, વેતન દરમાં છેલ્લે એપ્રિલ 2024માં ફેરફાર કરવામાં આવ્યો હતો. કામદારોનું લઘુત્તમ વેતન તેમના કૌશલ્ય સ્તર અને ભૌગોલિક વિસ્તારના આધારે નક્કી કરવામાં આવે છે. કૌશલ્ય સ્તર મુજબ, કામદારોને અકુશળ, અર્ધ-કુશળ, કુશળ અને ઉચ્ચ કુશળ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે, જ્યારે ભૌગોલિક વિસ્તારોને A, B અને C શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.