આજે દિલ્હીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી
વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત એ બપોર સુધીમાં નક્કી થઇ જશે
દાવા-પ્રતિદાવાથી રાજકારણ ગરમાયુ
એક્ઝીટ પોલ કેટલા સાચા પડશે તેના ઉપર સૌથી વધુ ચર્ચા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રીપીટ થશે કે પછી ભાજપનો વરસોનો વનવાસ પૂરો થશે તેનો જવાબ શનિવારે બપોર સુધીમાં મળી જશે. ૭૦ બેઠકો માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી શનિવારે સવારે શરુ થશે અને બપોર સુધીમાં
પરિણામની દિશા નક્કી પણ થઇ જશે. મત ગણતરી પૂર્વે ભાજપ અને આમ આદમી પાર્ટી એમ બંનેએ જીત માટેના દાવા કર્યા છે.

દિલ્હીમાં આ વખતે ૬૦.૪૨ ટકા મતદાન નોંધાયું છે અને સંપૂર્ણ પરિણામ સાંજ સુધીમાં મળી જશે તેવું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
મતદાન પૂરું થયા બાદ મોટાભાગના એક્ઝીટ પોલમાં આમ આદમી પાર્ટીની એક્ઝીટ થઇ રહી છે તેવા તારણો આવ્યા હતા. જો કે, બે-ત્રણ એક્ઝીટ પોલમાં આપ સરકાર ફરી સત્તામાં આવશે તેવું અનુમાન પણ આપવામાં આવ્યું હતું. એક્ઝીટ પોલના તમામ તારણો બાજુએ રાખીને આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં ચોરે ને ચૌટે આ એક્ઝીટ પોલની જ ચર્ચા છે.
કેજરીવાલે શુક્રવારે તમામ ઉમેદવારો અને હાલના ધારાસભ્યો સથે બેઠક કરી હતી અને તેમાં ચર્ચા કરી હતી. આ બેઠકમાં એવું જણાવાયું હતું કે, ઓછામાં ઓછી ૫૦ બેઠક તો આવશે જ. જયારે ૭ થી ૮ બેઠક ઉપર કટ્ટર સ્પર્ધા છે.
બીજી તરફ ભાજપના રમેશ બીઘુડી અને પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે અને લોકોએ આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચારને જાકારો આપ્યો છે.
નવી દિલ્હી અને કાલકાજી બેઠકનું પરિણામ રસપ્રદ હશે
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને ભાજપના પ્રવેશ વર્મા પણ ઉમેદવાર છે. બીજી તરફ વર્તમાન મુખ્યમંત્રી આતિશી માર્લે ગયા વખતની જેમ આ વખતે પણ કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ભાજપ તરફથી રમેશ બિધુડી તેમને પડકાર આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કેજરીવાલનું ફરી વખત મુખ્યમંત્રી બનવું નક્કી છે જયારે ભાજપે કોઈ ચહેરો જાહેર કયો નથી પરંતુ પ્રવેશ વર્મા અને રમેશ બીઘુડી ફ્રન્ટ રનર છે. આ બંને બેઠક ઉપરનું પરિણામ રસપ્રદ રહેશે