સિગ્નેચર બ્રીજના લોકાર્પણની તૈયારીને આખરી ઓપ… આજે મહાઆરતી
આજે ગોમતી ઘાટ પર સાંજે ૫ લાખ દિવડા પ્રગટાવાશે: વડાપ્રધાન બ્રીજ ખુલ્લો મૂકે પછી તરત જ પબ્લિક માટે ખોલી નંખાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ એવો ઓખા બેટ દ્વારકા ટાપુને જોડતા સિગ્નેચર કેબલ બ્રીજનું લોકાપર્ણ વડાપ્રધાન તા. ૨૫મીએ કરવાના છે. તે જ દિવસે લોકાર્પણ કાર્યક્રમ બાદ આ બ્રીજ પરથી સામાન્ય લોકો અવર જવર કરી શકશે.
સિગ્નેચર બિર્જના લોકાર્પણ ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જાણવા મળતી વિગતો પ્રમાણે તા.૨૪મીએ રાત્રે પીએમ દ્વારકા ખાતે આવી જશે અને સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. તા. ૨૫મીએ બ્રીજનું લોકાર્પણ કરશે ત્યારથી જ લોકો બ્રીજ પર અવર જવર કરી શકશે. આ ઉપરાંત આજે દ્વારકાના ગોમતી ઘાટના અલગ અલગ ૧૬ જગ્યાએ ૫ લાખ ઇલેક્ટ્રિક દીવડાઓ પ્રગટાવવામાં આવશે. જ્યારે સાંજે ૭ વાગ્યે મહા આરતી કરવામાં આવશે. ગૂગળી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવશે.
વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ સૌ કોઇ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહી સમગ્ર ભારતમાંથી લાખો ભક્તો દ્વારકા દર્શન માટે આવે છે. પરંતુ ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો સહારો લેવો પડતો હતો. તો બીજી તરફ સ્થાનિકોને પણ ઓખા થી બેટ દ્વારકા આવન જાવન કરવા માટે ફેરીબોટ જ એક મધ્યમ હતું. જો કે હવે ફોરલેન સિગ્નેચર બ્રીજ બનવાને કારણે લોકોને અને યાત્રાળુઓને ફેરીબોટનો સહારો નહી લેવો પડે. લોકો પોતાના અને ખાનગી વાહનો મારફતે બેટ દ્વારકા પહોંચી શકશે.
આ બ્રીજની વિશેષતાની વાત કરવામાં આવે તો સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો દેશનો આ સૌથી લાંબો બ્રિજ છે. અઢી કિલોમીટર લાંબો આ બ્રિજ ૯૫૦ કરોડથી વધુના ખર્ચે બનીને તૈયાર થયો છે. આ બ્રીજ સ્થાનિકો અને દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચતા શ્રદ્ધાળુઓ માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. બ્રિજની બંને બાજુ ભગવદ્દગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની તસવીરો જોવા મળશે. આ ભારતનો સૌથી લાંબો કેબલબ્રિજ છે.
નોંધનીય છે કે, ૧૦ હજારની વસ્તી ધરાવતા બેટ દ્વારકામાં પરિવહન માટે માત્ર ફેરીબોટ હતી. જેના કારણે સ્થાનિકો હોસ્પિટલ કે અન્ય ઇમરજન્સી સમયે ફેરિબોટ પર નિર્ભર રહેવું પડતું હતું. બ્રિજ બનવાને કારણે હવે સ્થાનિકોને મોટી રાહત મળી છે. જ્યારે અહીં સ્થાનિકો ઉપરાંત યાત્રીકોને હવે જોખમી બોટની સવારીને બદલે બ્રિજ વડે માત્ર થોડી જ મિનિટોમાં ઓખા થી બેટ દ્વારકા પહોંચી શકાશે. જે અગાઉ બોટમાં અડધો કલાક જેટલો સમય લાગતો હતો.
બેટ દ્વારકાના સ્થાનિક યુવાન અંકિત રામાવતે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પહેલા મેડિકલ ઇમરજન્સી બોટ દ્વારા જવું પડતું હતું અને ખુબ સમય લાગતો હતો જ્યારે બ્રીજ બનવાને કારણે માત્ર ૧૦ મિનિટમાં જ ઓખા પહોંચી શકશે. જ્યારે બેટ દ્વારકાના બાળકોને અભ્યાસ માટે સારી સ્કૂલો નહતી ત્યારે બ્રીજ બનવાને કારણે અન્યત્ર સારી સ્કૂલમાં ભણવા જાય શકશે.
બેટ દ્વારકાના અન્ય એક સ્થાનિક ભાવેશ ભાટિયા નામના યુવાને બ્રીજના ફાયદા વિશે કહ્યું કે, અનેકવાર ખરાબ વાતાવરણને કારણે ફેરી બોટ બંધ થઈ જતી હતી અને લોકો અવર જવર કરી શકતા નહતા. જ્યારે હવે બ્રીજ બનવાને કારણે આ સમસ્યાનો લોકોએ સામનો નહી કરવો પડે. બેટ દ્વારકામાં કોઈપણ ચીજ વસ્તુ ફેરીબોટ મારફતે લઈ જવામાં આવતી હતી. જેને કારણે ૧૦૦ રૂપિયાની વસ્તુ પર ટ્રાન્સફર ખર્ચ વધતો હોવાથી તે વસ્તુ ૧૫૦ રૂપિયાની બેટ દ્વારકામાં મળતી હતી ત્યારે સિગ્નેચર બ્રિજ બની ગયા બાદ તમામ ચીજ વસ્તુઓ રસ્તા મારફતે જશે. જેના કારણે ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થશે. તેવું પણ સ્થાનિકોને માનવું છે.
બ્રીજ બનતા ફેરીબોટ માલિકોની રોજગારી પર ફટકો પડશે
બ્રીજ બનવાને કારણે એકબાજુ સ્થાનિકોને રાહત મળશે તો બીજી બાજુ એ પણ છે કે હાલમાં ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં માલિકોને રોજગારી ઉપર ફટકો પડી શકે છે. ફેરી બોટ એસોસિયેશનના પ્રમુખ ફકીરા ભાઈએ વોઇસ ઓફ ડે ને જણાવ્યું હતું કે, હાલમાં ઓખા બેટ દ્વારકા વચ્ચે ૧૭૦ બોટ ચાલે છે અને એક બોટને મહિને ૪ ટ્રીપ મળે છે. જેમાં એક ટ્રીપે આશરે ૩ હજાર આવક થાય છે આમ મહિને ૧૨ હજાર જેટલી કમાણી થાય છે. જ્યારે બ્રીજ બનવાને કારણે લોકો ડાયવર્ટ થઈ જશે. જેના કારણે જે લોકો દરિયો માણવાના શોખીનો હશે તે જ બોટમાં આવશે. જેના કારણે ફેરી બોટ તો ચાલુ જ રહેશે પરંતુ લોકોની સંખ્યા માત્ર ૧૦ ટકા જેટલી થઈ શકે છે. જેના કારણે બોટ માલિકોને રોજગારીમાં ફટકો પડશે.