કર્ણાટકના માંડ્યામાં કોમી તોફાન: બે સમુદાયો સામસામે: દુકાનો સળગાવી
ગણપતિજીની શોભાયાત્રા પર પથ્થરમારો
52 શખ્સોની ધરપકડ: ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
કર્ણાટકના માંડ્યા જિલ્લાના નાગમંગલ નામના ગામમાં ગણપતિ વિસર્જન માટે જઈ રહેલી શોભાયાત્રા પર એક મસ્જિદ પાસે પથ્થરમારો થતાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. બંને સમુદાયના જંગી ટોળાં સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. રોષે ભરેલા લોકોએ કેટલીક દુકાનો અને વાહનોને આગ ચાંપી દેતા ભારે તંગદીલી ફેલાઈ હતી. પોલીસે આ બારામાં 52 લોકોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ નાગમંગલ ગામમાં બદ્રીકોપલ્લુ વિસ્તારમાંથી ભાવિકો ધામધૂમ સાથે શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન માટે જઈ રહ્યા હતા ત્યારે એક મસ્જિદ નજીક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતાં બંને સમુદાયના ટોળા એકત્ર થઈ ગયા હતા. સામસામો પથ્થરમારો થતાં મામલો બેકાબુ બન્યો હતો. એ દરમિયાન તોફાની ટોળાએ કેટલીક દુકાનો અને વાહનો સળગાવી દીધા હતા.
બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ટોળા વિખેરી મામલો કાબુમાં લીધો હતો. બીજી તરફ હિન્દુ ભાવિકોએ ગણેશજીની મૂર્તિ સાથે પોલીસ મથકને ઘેરો ઘાલી હુમલાખોરોને ઝડપી લેવા માગણી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં બાવન લોકોની ધરપક કરવામાં આવી હતી. જોકે પોલીસે નિર્દોષ લોકોની ધરપકડ કર્યા હોવાની ફરિયાદ સાથે લોકોએ પોલીસ મથકને ઘેરો ચાલુ રાખતા મામલો તંગ બન્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે નાગામંગલ તેમજ આસપાસના ગામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.પોલીસે મામલો કાબુમાં હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ જવાબદાર:કુમારસ્વામી
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, માંડ્યાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે ભાવિકો શાંતિપૂર્ણ રીતે જતા હતા ત્યારે તેમની પર હુમલો થયો હતો. હુમલાખોરો પાસે તલવારો અને ગ્રેનેટ હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે આ ઘટના માટે કોંગ્રેસની માત્ર એક જ સમુદાયની તુષ્ટીકરણની નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.