દ્વારકા નજીક ૪ વાહનો ટકરાયા ૭ના મોત: ૨૫ ઘાયલ
ખાનગી બસ, ૨ કાર અને એક બાઇક અથડાયા હતા : મંત્રી મુળુ બેરા, પૂનમ માડમ, પબુભા માણેક વગેરે દોડી ગયા
દ્વારકા નજીક શનિવારે ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, દ્વારકાથી ૬ કિલોમીટર દૂર જામનગર હાઈવે પર બરડીયા પાસે ચાર વાહનો ધડાકાભેર અથડાયા હતા. જે દુર્ઘટનામાં ૭ લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું હતું, જોકે હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે. ૨૫ જેટલા લોકોને ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં ૧૦૮ અને ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ૧૫થી વધુ લોકોને સારવાર અર્થે ખંભાળીયા હોસ્પિટલ લઈ જવાયા હતા. મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે મદદે દોડી આવ્યા હતા.
બરડીયા નજીક એક ખાનગી બસ, એક ઈકો કાર, એક સ્વીફ્ટ કાર અને એક હોન્ડા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ત્યારે દ્વારકા-જામનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને સ્ટેન્ડબાય રહેવાના આદેશ અપાયા છે. રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ અસપી હાર્દિક પ્રજાપતિ અને ડીવાયએસપી સાગર રાઠોડ તેમની ટીમ સાથે રેસ્ક્યુ અને સારવાર માટે ખસેડવાની કામગીરી કરી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનાર
૧.હેતલબેન અર્જુનભાઈ ઠાકુર (ઉ.વ.૨૮) ગામ કલોલ ગાંધીનગર
૨. પ્રીયાંશી મહેશ ભાઈ ઠાકુર (ઉ.વ. ૧૮) કલોલ
૩. તાન્યા અર્જુન ઠાકુર (૩ વર્ષ) કલોલ
૪.હિમાંશુ કિશનજી ઠાકુર (૨ વર્ષ)
૫. વિરેન કિશનજી ઠાકુર
૬. ચિરાગભાઈ ભાઈ બરડીયા ગામ
૭. અજાણી સ્ત્રી