નંદ ઘેર આનંદ ભયો: કાલે ૫૩ સ્થળે મટકી ફોડાવશે મનપા
ટોપ-૫ને રોકડ પુરસ્કાર અપાશે: મટકી ફોડ સ્પર્ધા ઉપરાંત સુશોભન, ગ્રુપ ડે્રસ કોડ, સાઉન્ડ, પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ બોલશે રમઝટ
૧૮માંથી ૧૪ વોર્ડમાં મટકી ફોડનો કાર્યક્રમ
આવતીકાલે રાજકોટમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે ત્યારે રાત્રે ૧૨ના ટકોરે ઠેર-ઠેર મટકી ફોડી કાનના જન્મને વધાવવામાં આવશે. આ વર્ષે રાજકોટ મહાપાલિકા દ્વારા પણ અલગ-અલગ વિસ્તારોમાં મટકી ફોડ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ સ્પર્ધા ૫૩ સ્થળે યોજાશે અને તેમાંથી ટોપ-૫ સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે.
આ અંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતનાએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિત્તે શહેરમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આવતીકાલે ૧૪ વોર્ડમાં ૫૩ સ્થળે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આ મટકી ફોડ સ્પર્ધામાં જય મચ્છો યુવા ગ્રુપ, મુરલીધર યુવા ગ્રુપ, માલધારી યુવા ગ્રુપ, કૃષ્ણ ચંદ્ર યુવા ગ્રુપ, જય ઠાકર, રાણીમા રૂડીમા, જય દ્વારકાધીશ, શ્રી જય મહાવીર હનુમાન, ચક્રધારી વાસુદેવ, મચ્છો મા, બાપા સીતારામ, ગોપનાથ મીત્રમંડળ, નંદકિશોર ગ્રુપ સહિતના ગ્રુપ્સ ભાગ લેશે. એકંદરે શહેરના ૧૮માંથી ૧૪ વોર્ડમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. મટકી ફોડ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા સુશોભન, ગ્રુપ ડે્રસ કોડ, સાઉન્ડ, પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.