પતિને અમદાવાદમાં ફ્લેટ લઈ આપ્યો-ફર્નિચર કરાવી દીધું છતાં પેટ ન ભરાયું: સાસુ-સસરાએ દીયર-દેરાણીનો ખર્ચ પણ પરિણીતા માથે નાખ્યો
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટિના તાલુકાના જાનુડા ગામે પરણેલી રાજકોટની સોફ્ટવેર એન્જિનિયર પર પતિ, સાસુ, સસરા, દીયર, દેરાણી સહિતના સાસરિયાઓ દ્વારા અમાનુષી સીતમ ગુજારવામાં આવી રહ્યો હોય આખરે તમામ સામે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાતાં ધરપકડ માટે તજવીજ ચાલી રહી છે.
આ અંગે રાજકોટના આરતીનગર સોસાયટીના અંબિકા ભુવનેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી વિલાસ ભાસ્કરભાઈ કરગઠીયા (ઉ.વ.૩૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૭-૫-૨૦૧૯ના તેના લગ્ન ભાસ્કર રાજશીભાઈ કરગઠિયા સાથે થયા હતા. તેના પતિ પણ અમદાવાદમાં સોફ્ટવેર એન્જિનિયર જ છે. લગ્ન બાદ પરિવાર સાથે જાનુડા ગામે જ રહેતી. એક મહિના સુધી બધું સરખું ચાલ્યા બાદ પતિ, દીયર સાથે અમદાવાદ નોકરી અર્થે ગયા હતા. ૨૦૨૧માં દીયરના લગ્ન થતાં તેમની સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.
આ પછી તકરાર શરૂ થઈ અને દીયર-દેરાણીએ વિલાસને ઘરખર્ચ કાઢવા માટે દબાણ શરૂ કર્યું હતું. આટલું ઓછું હોય તેમ પતિ સહિતના દ્વારા `તું વાંઝણી છે, હજુ સુધી પરિવારને સંતાન આપ્યું નથી’ જેવા મેણાટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. સાસરિયાઓ દ્વારા તું દહેજ ઓછું લાવી છોના ટોણા પણ મરાતા હતા. વિલાસે તેના પતિના નામે સંયુક્ત રીતે અમદાવાદમાં ફ્લેટ લીધો હતો જેમાં ૭.૨૯ લાખ ઉપરાંત ૩.૨૦ લાખ પઝેશનના અને ૯ લાખનું ફર્નિચર કરાવી આપ્યું હતું. વળી, દીયર-દેરાણીનો ખર્ચ પણ વિલાસ અને તેના પતિએ ઉઠાવ્યો હતો.
થોડા સમય પહેલાં વિલાસ લગ્નપ્રસંગે જાનુડા ગામે ગઈ ત્યારે સસરા-સાસુ દ્વારા મકાનના હપ્તા તારે જ ભરવા પડશે, તારો દર મહિને ૧.૮૦ લાખનો પગાર છે જેમાંથી તને ૧૦,૦૦૦ જ મળશે અને ફ્લેટની માલિકીમાંથી તારું નામ પણ કઢાવી નાખવું છે તેવી ધમકી આપતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસ મથકે વિલાસના પતિ ભાસ્કર, સસરા રાજશી, સાસુ ભેની, દિયર સુધીર અને દેરાણી પાયલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.