આજે ‘વિશ્વ સિંહ દિવસ’ની વ્યાપક ઊજવણી : મુખ્યમંત્રી સાસણમાં
સિંહ સદન ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ
‘જંગલના રાજા સિંહ’ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે.
૧૦મી ઓગસ્ટે રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિકસ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવશે. જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના ૧૧ જિલ્લાની આશરે ૧૧,૦૦૦ થી વધુ શાળા/કોલેજોમાં આ કાર્યક્રમો યોજાશે જેમાં અંદાજે ૨૧ લાખથી વધુની લોકભાગીદારી થશે.
એશિયાટીક લાયન લેન્ડસ્કેપના ૧૧ જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમી દ્વારકા અને જામનગરની શાળાઓ-ગામોમાં આ ઉજવણી કરવામાં આવશે.
એશિયાઇ સિંહ ગુજરાતનું ગૌરવ હોવાથી સિંહ પ્રત્યેના ભાવ સાથે ભૂજ, વ્યારા, નવસારી, ભરૂચ, અમદાવાદ, વડોદરા અને કચ્છ જિલ્લાની એન.જી.ઓ. દ્વારા પણ આ વિસ્તારની શાળાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ભાવનગર ખાતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ‘સિંહ દિવસ’ નિમિત્તે PLO, નાયબ વન સંરક્ષકની કચેરી દ્વારા સવારે ૦૯.૦૦ કલાકે સરદાર પટેલ શિક્ષણ સંસ્થા સ્કૂલમાં નાટક પણ રજૂ કરવામાં આવશે.
આ ઉજવણી તમામ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે. જેમાં વન વિભાગ દ્વારા સિંહ સંબંધિત પોસ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટૂંકા વીડિયો, ટેકસ મેસેજ, SMS, માઇક્રો બ્લોગ, ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે.
વધુમાં વધુ નાગરિકો વર્ચ્યુઅલ રીતે સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે ‘ચાલો આપણે સૌ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ. આપ સૌને ‘વિશ્વ સિંહ દિવસ’ની શુભેચ્છાઓ
વધારેમાં વધારે નાગરીકો સુધી પહોંચી શકાય તે માટે વન વિભાગ દ્વારા #WorldLionDay2024 હેઝટેગ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરી ભારતભરના અને વિશ્વના સિંહ પ્રેમીઓ, એન.જી.ઓ., પ્રકૃતિ પ્રેમીઓ, જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનો તેમના ટેક્ષ મેસેજ, ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગીદાર થાય તે માટે જાગૃત કરવામાં આવશે.