સ્કૂટર કેમ મારા ઉપર નાખે છે ? કહી રાજકોટના વેપારીના ઘર પર સોડા બોટલના ઘા
એક બાળકને છાતીમાં બોટલનો ઘા લાગી જતાં ઘાયલઃ પાંચ મોટર સાઈકલ, કાર ઉપર ધોકા-પાઈપથી ટોળકી તૂટી પડી
રાજકોટમાં હવે સામાન્ય બાબતે છૂટા હાથની મારામારી સામાન્ય બની ગઈ હોય તેમ દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં આ પ્રકારના બનાવો બનવા લાગ્યા છે. આવી જ એક ઘટના ઝુલેલાલનગર શેરી નં.5ના ખૂણે બનવા પામી હતી જ્યાં સિંધી વેપારીના ઘર ઉપર ચાર લોકોની ટોળકીએ સોડા બોટલના ઘા કરતાં એક બાળક ઘાયલ થયું હતું. આ ટોળકીએ વેપારીના પાંચ મોટર સાઈકલ તેમજ કારને પણ ચારેક લાખનું નુકસાન પહોંચાડ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.

આ અંગે આશિષ ચેતનભાઈ નેભાણી (ઉ.વ.34)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સોમવારે 7:45 વાગ્યે તે સાંઢિયા પુલ પાસેથી નીકળ્યો ત્યારે સામેથી ફૈઝલ ઉર્ફે કાલી રહિમભાઈ ભાણું તેનું સ્કૂટર લઈને આવતો હોય આશિષને `મારા ઉપર કેમ એક્ટિવા નાખે છે’ કહી ગાળો આપવા લાગ્યા હતા. જો કે આ વેળાએ આશિષનો ભાઈ ત્યાં આવી જતાં બન્ને ત્યાંથી નીકળી ગયા હતા અને ઘરમેળે સમાધાન કરવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો : વિશ્વના 53 દેશોમાં મુસ્લિમોની બહુમતી : દસ વર્ષમાં વિશ્વ સ્તરે મુસ્લિમોની વસ્તીમાં 34.70 કરોડનો વધારો
જો કે સમાધાન માટે કોઈ ન આવતાં અબ્દુલ દાઉદભાઈ લંજાને આ અંગે કહેતા તેણે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. મોડીરાત્રે ત્રણેક વાગ્યે ફૈઝલ ઉર્ફે કાલી રહીમભાઈ ભાણુ, ઈરફાન રહીમભાઈ ભાણુ, અબ્દુલ દાઉદભાઈ લંજા અને હસન તેમજ તેની સાથેના ચાર શખ્સો ધસી આવ્યા હતા અને ઘર ઉપર સોડાબોટલના ઘા શરૂ કરી દેતાં એક બાળકને છાતીમાં બોટલ વાગી ગઈ હતી. આ પછી ધોકાપાઈકથી આ શખસોએ મકાનની રેલિંગને નુકસાન પહોંચાડ્યું હતું સાથે સાથે કાર અને મોટર સાઈકલ ઉપર પણ ધોકા-પાઈપ ફટકારી નાસી ગયા હતા.