ગુનેગારો લંગડા ચાલે, હાથ જોડે,માફી માંગે પરંતુ ગુના કરતાં જ ખચકાય એવી પોલીસની ધાક ક્યારે બનશે?
રાજકોટ શહેરથી લઈ રાજ્યભરમાં પોલીસ ગુના આચરનારા તત્વો, ટપોરીઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વોને પકડી લે છે, જાહેરમાં લંગડા ચલાવે છે, હાથ જોડી માફી મંગાવે છે એ પોલીસની સારી કાર્યવાહી છે પરંતુ આવા તત્વો ગુના કરતા જ ખચકાય કે ગુનાનો વિચાર આવે એ પૂર્વે જ પોલીસનો ખૌફ નજરમાં નસ-નસમાં દોડવા લાગે એવી ધાક કેમ નથી ? પોલીસની આવી ધાક ક્યારે બનશે ? નહીં તો ગુનેગારો અને પોલીસ વચ્ચે લુક્કાછૂપીની જાણે રમત ચાલ્યા જ કરશે.
ગુજરાત રાજ્યમાં ટ્રેન્ડ ચાલે છે કે ગુનેગારોને જ્યાં ગુનો કર્યો હોય ત્યાં લઈ જવા રિ-ક્નસ્ટ્રક્શન કરાવવું એ સમયે એ ગુનેગાર, આરોપી, ટપોરી પોલીસ બંધ બારણે બરોબરની ટ્રીટમેન્ટ આપી હોય એ રીતે જાહેરમાં લંગડાતા હોય છે.
પોલીસ એ ઈસમ કે અસામાજિક તત્વો સામે હાથ જોડાવે, માફી મંગાવે, ભૂલ થઈ ગઈ હવે આવું નહીં કરીએ આવા શબ્દો સાથેનો વીડિયો બનાવે છે, આરોપીએ ગુનો આચર્યો હોય તે સમયના સીસીટીવી કે આવા વીડિયો ફૂટેજ મુદે, બીફોર લખેલા અને ત્યારબાદ પોલીસે આપેલા પરચાનો માફી માગતો, હાથ જોડતો વીડિયો આફ્ટર કરીને પોલીસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકે કે આવા વીડિયો વાઈરલ કરે છે.
રાજ્યભરમાં પોલીસ દ્વારા જ બીફોર અને આફ્ટરના વીડિયો મુકવાનો નવો ટ્રેન્ડ છે જે સારી બાબત છે. જો કે સામે વાસ્તવિક્તા પણ એટલી જ છે કે કાર્યવાહીના જાહેર વીડિયો છતાં ટપોરીઓ, ટીખળીઓ, અસામાજિક તત્વો, ગુનેગારો ગુનાઓ આચરતા ખચકાતા નથી. ખુદ ગૃહમંત્રી કહે છે કે ગુનેગારોના વરઘોડા તો નીકળવા જ જોઈએ અને ઘણી ખરી જગ્યાએ પોલીસ ખુદની હિંમતે વરઘોડા (રિ-ક્નસ્ટ્રક્શન કરાવે છે) કાઢે છે. જો કે ક્યાંક-ક્યાંક જાણે બેઅસર જેવું રહેતું હોય તેમ એ જ કે આવા ઈસમો ફરી ગુનાઓ આચરવા લાગે છે. રાજયમાં ડીજીપી દ્વારા ગુનેગારો પર 100 કલાકનું અગાઉ અભિયાન ચલાવાયું હતું. જે તે સમયે પોલીસની ધાક બેઠી હોય તેવું દેખાવા લાગ્યું હતું. પણ હવે પાછા લુખ્ખાતત્વો કે આવા ઇસમોમાં જૈશે થે જેવું થઇ ગયું હોય ફરીથી રાજયભરમાં આવું અભિયાન આરંભવાની જરૂર છે. એક સમય એવો હતો કે પોલીસને જોઇને ગુનેગારો થરથર કાપતા હતા તે સમય પાછો આવે તો જ ગુનાખોરી ઘટે.
હાથ જોડ, વરઘોડા કામગીરી પણ નકલી તો નહીં હોય ને?
જો પોલીસ પકડે, માફી મંગાવે, ક્યારેક સરઘસ કાઢે છતાં ગુનાખોરી અટકે નહીં તો પોલીસની આવી કડકા, કે કાર્યવાહીનો અર્થ શું રહે. તાજેતરમાં જ એક પોલીસ સ્ટેશનનો વીડિયો વાઈરલ થયો હતો જેમાં પોલીસ અધિકારી કાનમાં કાંઈ કહે પછી તુરંત જ આરોપી લંગડો ચાલવા લાગે. ઘણીખરી જગ્યાએ પોલીસ વાનમાં હોય કે ઉતરે ત્યાં સુધી સમસુતરા હોય અને અચાનક જ લંગડો ઘોડો થઈ જતાં હોય છે તો શું આમાં પણ નકલી વરઘોડા નીકળતા હશે ? બંધ બારણે જ આરોપીઓ, ગુનેગારોને સમજાવી દેવાતા હશે કે લંગડા ચાલજો, અથવા તો હાથ જોડીને માફી માંગી લેજો. પોલીસ સ્ટેશનો અંદર કે આવા સ્થળે સ્ક્રીપ્ટ આપીને બંધ બારણે માફી, ભૂલના વીડિયો જેમ ફિલ્મના શુટિંગમાં કંઈ ભૂલ થાય તો શોર્ટ ફરી શુટ થઈ શકે એ માફક વીડિયો બનાવી લેવાતા હશે ?જો આવું થતું હોય તો શું ખુદ ગૃહમંત્રીની સૂચનાનું ઉલ્લંઘન કે ગૃહમંત્રીને સૂચના પાલન કરીએ છીએ એવું બતાવવા વીડિયો બનાવી કે લંગડા ઘોડા કરાવાતા હશે ? જો આવું થતું હોય તો ખરેખર ઉંધા ચશ્મા પહેરાવવા જેવું, પ્રજાને પણ ચિત્ર રૂડું બતાવવા રૂપ જ કહી શકાય. અથવા તો જો ખરેખર રીતે પોલીસ સાચી રીતે જ કાર્યવાહી કરતી હોય છતાં આવા તત્વો સુધરતા ન હોય તો નવા નાકે નવી દિવાળીની જેમ પોલીસ ગમે તે કરે હમ નહીં સુધરેંગે જેવું હશે ?
રાજકોટની તાજેતરની ઘટનાઓ પોલીસ માટે શર્મશાર જેવી !
રાજકોટ શહેરમાં લાંબી નહીં છેલ્લા ત્રણ દિવસની ઘટનાઓ પર જ નજર કરીએ તો જે રીતે ભક્તિનગર વિસ્તારમાં ટૂ-વ્હિલર સવારે પગપાળા જતી યુવતીની ચાલુ વાહને સરાજાહેર છેડતી કરી એ દૃશ્યો પરથી શહેરમાં યુવતીઓ, મહિલાઓની સલામતી શું ? તે સવાલ ખડો કરે. ભલે પોલીસે ત્વરીત પકડી પાડ્યો આરોપી સગીર નીકળ્યો. બંધ બારણે બરોબરનો કાયદાનો પાઠ પણ ભણાવાયો. આવી બીજી ઘટનામાં નવરાત્રી અર્વાચીન રાસોત્સવમાં પેન્ટના આગળના ભાગે નેફામાં ખુલ્લી રીતે દેખાય તેમ ફટકડી લટકાવીને જેવું એ દહેશતનો માહોલ ફેલાવવા જેવું હતું. ભલે પોલીસે તાત્કાલીક પકડ્યો અને ફટકડી નકલી રમકડાની હતી એવા કથન સાથે વીડિયો વાઈરલ થયો. આવી જ રીતે બાબુડીયાએ માંગેલી લાખેરી કાર બીઆરટીએસ રૂટમાં ચલાવીને ચેલેન્જરૂપ વીડિયો પણ મુક્યો તેને પણ પોલીસે પકડ્યો, બંધ બારણે માફી મંગાવી. આ ઘટનાઓ પરથી એવું પણ તારણ નીકળી શકે કે રાજકોટમાં કુખ્યાત ગુનેગારો, અસામાજિક તત્વો તો શું લવરમૂછિયાઓ, ટપોરીઓ, લફંગાઓને પણ જાણે પોલીસનો કોઈ ડર નહીં હોય ?
બંધ બારણેના બદલે જ્યાં ગુનો આચર્યેા હોય ત્યાં લઇ જઇને માફી મંગાવવી જોઇએ!
પોલીસ પકડી પાડે હાથ જોડ કરાવે, માફી મંગાવે એ સારી વાત છે પરંતુ જે જગ્યાએ જાહેરમાં સિનસપાટા કર્યા હોય, લુખ્ખાગીરી આચરી હોય, ગુનો કર્યો હોય અને ભય ફેલાવવાનો માહોલ ઉભો કર્યો હોય એ જ સ્થળે આવા ગાંઠિયા દાદાઓ (લુખ્ખાઓ)ને લઈ જવા જોઈએ અને ત્યાં જ જાહેરમાં માફી મંગાવવી જોઈએ જેથી લોકોને પણ ખ્યાલ આવે અને આવા તત્વોનો ખોટો ભય પણ ઓસરે આવું જાણકારોનું માનવું છે. 5ોલીસે પણ સમયાંતરે ફિલ્ડવર્ક કરવાની જરૂર છે. જેટલી વધુ સંખ્યામાં ખાખી ફિલ્ડમાં દેખાશે તેટલી ગુનેગારોમાં ભડક રહેશે અથવા તો ક્રાઇમ થતું અટકશે.
