અમેરિકા અને ઈરાન વચ્ચેની બેઠકમાં શું થયું ? શું થઈ પ્રગતિ ? જુઓ
અમેરિકન રાષ્ટ્રપતિની ધમકીઓ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વધી રહેલા તણાવ વચ્ચે ઓમાન આ વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યું છે. ઈરાન અને અમેરિકા બંનેએ પરોક્ષ પરમાણુ વાટાઘાટોના બીજા રાઉન્ડ પછી પ્રગતિ વિશે વાત કરી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આ વાટાઘાટોને “રચનાત્મક” ગણાવી અને કહ્યું કે તેઓ આગામી સપ્તાહમાં વધુ બેઠકો યોજશે.
અરાઘચીએ કહ્યું કે ટેકનિકલ નિષ્ણાતો આગામી દિવસોમાં મળશે, પરંતુ તેમણે બેઠક વિશે વધુ વિગતો આપી નહીં. તેમણે ઉમેર્યું કે આગામી રાઉન્ડની વાતચીત 26 એપ્રિલે ઓમાનમાં યોજાશે. આ વાતચીતમાં અમેરિકાની શરત છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો ન બનાવે, જ્યારે ઈરાને આ કરાર માટે અમેરિકા સમક્ષ પ્રતિબંધો હટાવવાની શરત મૂકી છે.
મધ્ય પૂર્વમાં ટેન્શન પણ ઘટશે?
આ વાટાઘાટોનું નેતૃત્વ અમેરિકા વતી વિટકોફ અને ઈરાન વતી અરાઘચીએ કર્યું હતું. ઇટાલીની રાજધાની અરાગીએ આ સંવાદને સકારાત્મક ગણાવ્યો છે. જે બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાની ચિંતા થોડા સમય માટે ઓછી થઈ ગઈ છે, કારણ કે અમેરિકાની સાથે ઇઝરાયલને પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો ખતરો છે.
એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીએ એક વરિષ્ઠ યુએસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે રોમમાં શનિવારે યોજાયેલી બેઠકમાં “ખૂબ સારી પ્રગતિ” થઈ હતી અને આગામી સપ્તાહે વધુ વાટાઘાટોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક અંગે હજુ સુધી અમેરિકા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.